મેઘાવી માહોલ વચ્ચે શહેરમાં સવારથી સતત ઝરમર વરસાદ: સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં અડધો ઈંચ: સામાકાંઠે માત્ર ઝાપટા: વાતાવરણમાં ઠંડક
રાજકોટ શહેરમાં આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં શહેરમાં ધીમીધારે અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ સાથે શહેરમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં કુલ ૧૫ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયું છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે શહેરની જળજરીયાત સંતોષતા ભાદર, આજી અને ન્યારી ડેમમાં પાણીની સામાન્ય આવક થવા પામી છે.રાજકોટમાં સોમવારે અનરાધાર સાડા સાત ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ ગઈકાલે મંગળવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું હતું અને સમયાંતરે વરસાદના જોરદાર ઝાપટા વરસી જતા હતા. આજે સવારથી આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો રહ્યો હતો. સવારથી ઝરમર વરસાદ સતત વરસી રહ્યો છે. બપોર સુધીમાં શહેરમાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો છે.સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૦ મીમી વરસાદ વરસ્યો છે. જયારે વેસ્ટ ઝોન વિસ્તારમાં ૧૧ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૫૫ મીમી વરસાદ પડયો છે. સેન્ટ્રલ ઝોનમાં ચોમાસાની સીઝનનો કુલ ૩૩૧ મીમી, વેસ્ટ ઝોનમાં ૩૬૩ મીમી અને ઈસ્ટ ઝોનમાં સૌથી ઓછો ૨૬૪ મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. કયારેક જોરદાર ઝાપટુ પડી જતું હોવાના કારણે રાજમાર્ગો પર પાણી વહેવા લાગે છે. સતત ત્રણ દિવસથી વરસાદ ચાલુ હોવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.