355 ફોર્મ સામે ભરાઈને માત્ર 228 ફોર્મ જ આવ્યા, તંત્ર પણ ચિંતામાં આજે છેલ્લો દિવસ હોય પૂરતા ફોર્મ પણ ભરાઈને ન આવતા પ્રક્રિયા 19મી સુધી લંબાવાઈ
લોકમેળામાં સ્ટોલ-પ્લોટ લેવામાં ધીમો પ્રતિસાદ મળી રહ્યો છે.ગઇકાલની સ્થિતિએ 355 ફોર્મ સામે માત્ર 228 ફોર્મ જ ભરાઈને આવ્યા હતા. જેને કારણે તંત્રમાં પણ ચિંતા જોવા મળી રહી હતી. આજે છેલ્લો દિવસ હોય પૂરતા ફોર્મ પણ ભરાઈને ન આવતા પ્રક્રિયા ત્રણ દિવસ એટલે કે 19મી સુધી લંબાવાય છે.
લોકમેળા સમિતિ દ્વારા જણાવાયું છે કે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.05/09/2023 થી તા.09/09/2023 દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકમેળો 2023માં ફોર્મ વિતરણ તથા સ્વીકારવા માટે હાલ ચોમાસાની સીઝન હોય બહારગામના આસામી ફોર્મ જમા કરાવવાથી વંચિત રહી જવા પામેલ હોય ત્રણ દિવસની મુદતનો વધારો કરવામાં આવેલ છે.
જેથી આવતીકાલથી તા.19/07/2023 બુધવાર સમય 11:00 થી 4:00 કલાક સુધી જાહેર રજા સિવાય ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ,શાસ્ત્રી મેદાન સામે રાજકોટ ખાતે ફોર્મ વિતરણ તથા સ્વીકારવા તેમજ નાયબ કલેકટર કચેરી, રાજકોટ શહેર-1, જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતે લોકમેળાના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. જેમાં તમામ કેટેગરીના અરજદારો ફોર્મ ભરી શકશે જેની સૌને નોંધ લેવા અધ્યક્ષશ્રી લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ શહેર-1ની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
બીજી તરફ ફોર્મ ઉપાડના આકડા જોઈએ તો તા.3ના રોહ 27 ફોર્મ, તા.4ના રોજ 55 ફોર્મ, તા. 5ના રોજ 27 ફોર્મ, તા.6ના રોજ 36 ફોર્મ, તા.7ના રોજ 56 ફોર્મ, તા.10ના રોજ 68 ફોર્મ, તા.11ના રોજ 81 રોજ તા.12ના રોજ 185 ફોર્મ, તા.13ના રોજ 205 ફોર્મ મળી ગઇકાલની સ્થિતિમાં 740 ફોર્મ ઉપડ્યા છે. જેને કારણે લોકમેળા સમિતિના રૂ. 1,48, 000ની આવક થઈ છે. બીજી તરફ ફોર્મ જમા કરાવવામાં ભારે નિરસતા જોવા મળી છે. માત્ર 228 ફોર્મ જ ગઈકાલ સુધીમાં ભરાઈને આવ્યા છે.