જૂનાગઢ, રાજુલા, અમરેલી, પોરબંદર સહિતના પંથકમાં વરસાદી ઝાપટા
ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટમાં સમયાંતરે ધોધમાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે તો સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે.
રાજકોટમાં આજે સવારથી અમુક વિસ્તારમાં ધોધમાર તો ક્યાંય ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ જૂનાગઢમાં આજે વહેલી સવરાથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. રાજુલા અને અમરેલી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. તેમજ પોરબંદરના ઘેડ પંથકમાં પણ સવારે ધોધમાર વરસાદી ઝાપટુ વરસ્યું હતું.