ખેતરોમાં, રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી; અનેક જગ્યાએ નાનુ-મોટુ નુકશાન; નગરપાલિકા, તંત્ર સતત ખડેપગે
‘વાયુ’ વાવાઝોડાએ ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. વાવાઝોડાથી દરેક જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે. કાંઠાળા વિસ્તારમાં વરસાદથી ધણી જગ્યાએ નુકશાન થયું છે. ત્યારે માંગરોળમાં પણ ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ લખાય છે. ત્યારે પણ સતત ધીમીધારે વરસાદ ચાલુ રહેતા આખી રાત્રી વીજ પૂરવઠો ખોરવાયો હતો. જો કે જીઈબીએ આજે વહેલી સવારે વીજ પૂરવઠો શરૂ કર્યો હતો. વરસાદ સાથે વાવાઝોડાના ભારે પવનને કારણે આ ખેતરમાં ઉભેલા કેળના ઝાડ નમી ગયા હતા તેમજ રસ્તાઓ ઉપર, કોઈના મકાનો ઉપર વૃક્ષો ધરાશાયી થઈ જતા ઘણી જગ્યાએ નાનુ મોટુ નુકશાન થવા પામ્યું છે. આ આફતથી રક્ષણ આપવા માંગરોળ નગરપાલિકા, પોલીસ સ્ટાફ અને જીઈબી ડિપાર્ટમેન્ટ સતત ખડેપગે રહ્યો છે. અને મુશ્કેલીમા મૂકાયેલા લોકોને વ્હારે આવી રહ્યો છે. તંત્ર જયાં ઘટના સ્થળે કોઈ બનાવ બને ત્યાં સતત પહોચી જઈ કામગીરી કરી રહ્યું છે.