અવારનવાર એવી સલાહ મળતી રહે છે કે, દરેક વ્યક્તિએ 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. શાંતિપૂર્વકની ઊંઘ શરીરને રિપેર કરે છે અને બીજા દિવસે ઉર્જા સાથે કામ કરવાનું બળ પૂરું પાડે છે. જ્યારે ઓછા કલાકોની ઊંઘ થઈ હોય ત્યારે આપણને એવું લાગે છે કે બીજા દિવસે કામ કેવી રીતે કરીશું, સ્ફૂર્તિ અને ઊર્જા ક્યાંથી લાવીશું? જોકે, હકીકત તો એ છે કે, ઊંઘવા માટેનો કોઈ આદર્શ સમય નથી. કેટલાક લોકોને 8 કલાકથી વધુની ઊંઘ જોઈએ છે તો કેટલાક માટે 6 કલાકની ઊંઘ પણ પૂરતી છે.

વ્યક્તિની દિનચર્યા પ્રમાણે તેના ઊંઘના કલાકો બદલાઈ શકે છે: અમુક લોકો 6 કલાક ઊંઘ્યા પછી પણ સ્ફૂર્તિ અનુભવે છે: માસિક ચક્ર દરમિયાન મહિલાઓને વધારે ઊંઘ જોઈએ છે

દરેક વ્યક્તિ માટે 8 કલાકની ઊંઘ જરૂરી નથી,

વ્યક્તિને કેટલા કલાકની ઊંઘ જોઈએ? આ સવાલનો કોઈ જવાબ નથી કારણકે આ બાબત વ્યક્તિએ વ્યક્તિએ તેમજ તેની દિનચર્યાને આધારે બદલાય છે. અમુક સ્ટડીમાં બહાર આવ્યું છે કે, આપણી ઊંઘવાની પેટર્ન અને સ્લીપિંગ ડિસઓર્ડર વારસાગત હોય છે. મતલબ કે, છેવટે બધું જ તમારા ડીએનએ પર આવીને અટકી જાય છે. તમે 6 કલાક ઊંઘીને પણ સ્ફૂર્તિ અનુભવી શકો છો અથવા ઊર્જાવાન બનવા માટે 9 કલાકની ઊંઘ પણ જરૂરી હોઈ શકે છે. ઉપરાંત, કેટલાક બાહ્ય પરિબળોનો પણ આમાં મહત્વનો ફાળો છે.

માસિક ચક્ર પહેલા અને દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણાં ફેરફારો થાય છે. શરીરના અંગોમાં ખેંચાણ થવું, વારંવાર મૂડ બદલાવો અને થાકના કારણે ઊંઘ આવવામાં તકલીફ પડે છે અથવા ઊંઘમાં ખલેલ પહોંચે છે. આ સમયગાળા દરમિયાન મહિલાઓને સામાન્ય કરતાં વધુ કલાકની ઊંઘ જોઈએ તેવું પણ બની શકે છે. એવું પણ જોવા મળ્યું છે કે, પીરિયડ્સ પૂરા થઈ ગયા પછી મહિલાઓના ઊંઘના કલાકો ઘટી જાય છે.

બાહ્ય વાતાવરણ અને હવામાનમાં આવતા પરિવર્તનના કારણે પણ તમારી ઊંઘમાં પરિવર્તન આવી શકે છે. આપણે સૌ એકબીજાથી અલગ છે, આપણી રોજિંદી આદતો, વર્કઆઉટ, સ્વાસ્થ્ય, કામના શિડ્યુલ બધું જ ભિન્ન છે. માટે જ એક વ્યક્તિને કેટલી ઊંઘ જોઈએ તે માપવાનો કોઈ આદર્શ રસ્તો નથી. તમે જ્યારે ઊંઘીને ઉઠો છો ત્યારે કેવું અનુભવો છે તે જ તમારી ઊંઘના કલાકો જાણવાનો યોગ્ય વિકલ્પ છે. 6 કલાક ઊંઘ્યા પછી પણ તમે સ્ફૂર્તિ અનુભવો તો એ સારી નિશાની છે. જો આમ ન હોય તો તમારે ઊંઘના કલાકો વધારવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.