સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોટાભાગના વિભાગોનું કામ પ્લેસમેન્ટ કર્મીઓથી સચવાય છે ત્યારે જો કરારી કર્મીઓને છુટા કરાશે તો યુનિવર્સિટીનો વહીવટ ખોરવાય જાય તેવી ભીતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાડા ચારસોથી વધુ કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મીઓ કામ કરી રહ્યા છે ત્યારે હવે આવા તમામ કર્મીઓને છુટા કરવાની વાતથી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ, ડિગ્રી વિભાગ સહિતના વિભાગોમાં ભારે ફફડાટ ફેલાય જવા પામ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોટાભાગના વિભાગોનું કામ પ્લેસમેન્ટ કર્મીઓથી સચવાય છે ત્યારે જો કરારી કર્મીઓને છુટા કરાશે તો યુનિવર્સિટીનો વહીવટ ખોરવાય જાય તેવી ભીતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે, કોઈપણ મોટા નિર્ણય કરવા માટે રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ જ નિર્ણય લેવો. ત્યારે થોડા દિવસ પહેલા યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટાર ગાંધીનગર મુલાકતે ગયા હતા ત્યારે મળતી માહિતી મુજબ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, પ્લેસમેન્ટ કર્મીઓને છુટા કરી કાયમી જગ્યા પર ભરતી કરવામાં આવે.
આવી વાતને લઇ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમલ યુનિવર્સિટીના કરારી કર્મીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિભાગોમાં પ્લેસમેન્ટ કર્મીઓથી જ કામ ચલાવાય છે. જો આવા કર્મીઓને છુટા કરવામાં આવે તો યુનિવર્સિટીનો વહીવટ ખાડે જાય તેમ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓના કામ અટકી પડે તેમ છે.
આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કરારી કર્મચારીઓને છુટા કરવાની વાતમાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ જેટલા કાયમી કર્મીઓની જગ્યા ભરવાની છે તેમાં જ કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મીઓનો ભરતી કરો. જો કે આગામી 10મી ડીસેમ્બરે કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મીઓનો કરાર પૂરો થયા બાદમાં રાજ્ય સરકાર સાથે પરામશ કરી નિર્ણય લેવાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ આ બાબતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ સુધી કરારી કર્મીઓને છુટા કરવાનો કોઈ જ નિર્ણય લેવાયો નથી. તમામ પ્લેસમેન્ટ કર્મીઓને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. અને યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મીઓની સંખ્યા વધુ હોય, મોટાભાગના કામો આવા જ કર્મીઓથી થતા હોય હાલ છુટા કરવાનો કોઈ જ નિર્ણય નથી.