દક્ષિણ ગુજરાતમાં જાણે ચોમાસુ બેઠુ હોય તેમ દોઢ થી લઇ છ ઇંચ સુધી વરસાદ: માવઠાંના કારણે પાકનો
સત્યાનાશ, સૌરાષ્ટ્રભરમાં કમૌસમી વરસાદથી જગતાતની માઠી: હજી બે દિવસ વરસાદની આગાહી
અબતક, રાજકોટ
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનીક સરક્યુલેશનના કારણે રાજ્યમાં જાણે કારતક માસમાં અષાઢી માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યુ છે. વાવાઝોડુ, વરસાદની ખેંચ, અતિવૃષ્ટિ અને હવે માવઠાંએ પાયમાલી નોતરી દીધી છે. આકાશી આફતના કારણે ખેડૂતે પારાવાર નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 129 તાલુકાઓમાં હળવાં ઝાપટાથી લઇ 6 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયુ છે. દરમ્યાન આજે સવારથી રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. ગીર ગઢડાના ઉના તાલુકામાં નવાબંદરની 13 થી 15 બોટ દરિયામાં ડૂબી ગઇ છે અને 15 જેટલાં માચ્છીમારો લાપતા થઇ ગયા છે. જેની શોધખોળ ચાલી રહી છે. હજુ બે દિવસ રાજ્યમાં કમૌસમી વરસાદ ચાલુ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજે સવારથી રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યાના અહેવાલો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ કમૌસમી વરસાદના કારણે પાકનો સત્યાનાશ નીકળી ગયો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનીક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે રાજ્યમાં 3 દિવસ કમૌસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે રાજ્યના 96 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. બુધવારે વરસાદનું જોર વધ્યુ હતું. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 129 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ 6 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સુરતના ઉંમરપાડામાં 6 ઇંચ, વલસાડમાં 4 ઇંચ, પારડીમાં 4 ઇંચ, નવસારીના ખેરગામમાં 4 ઇંચ, કપરાડા, ઉંમરગામ અને મહુવામાં સાડા ત્રણ ઇંચ, પાલસણા, સુરત, વાપીમાં 3 ઇંચ, વઘઇ, જાલાલપુર, ધરમપુર, કામરેજમાં અઢી ઇંચ, વાસંદા, ગણદેવી, વ્યારા, સુરત, બારડોલી, સુબીર, વાલોદ, ડોલવાણ, સોનગઢમાં બે ઇંચ, ડેડીયાપાડા, માંગરોળ, ભરૂચ, માંડવી, વડીયા, સાગબારામાં દોઢ ઇંચ, પાટ, નીજર, પુના, અંકલેશ્ર્વર, ખાંભા, સનખેડા, કુકુરમુંડા, જાબુપોડા, છોટાઉદેપુર અને જગડીયામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કમૌસમી વરસાદના કારણે રવિપાકને પારાવાર નુકશાની થવા પામી છે. ચોમાસા પૂર્વે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ભારે પાયમાલી નોતરી હતી. ત્યારબાદ જુલાઇ અને ઓગષ્ટમાં વરસાદની ખેંચ રહેવા પામી હતી અને સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિના કારણે ખરીફ પાકને નુકશાની પહોંચી હતી. હવે જગતાત પર માવઠાંનો માર વરસ્યો છે. આકાશી આફતના કારણે રવિપાકને ભારે નુકશાની થવા પામી છે. દક્ષિણ ગુજરાતમાં જાણે ચોમાસુ બેઠુ હોય તેમ દોઢ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારથી 30 તાલુકાઓમાં હળવા ઝાપડાથી માંડી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું નોધાયું છે. હજી બે દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આજે દક્ષિણ ગુજરાત અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અપાઇ છે. સૌરાષ્ટ્રભરમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. આવતીકાલે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સરક્યુલેશનના પસાર થઇ ગયા બાદ વાતાવરણ સંપૂર્ણપણે ક્લિયર થઇ જશે.