- વિદ્યાર્થીઓમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવા “સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ” સ્કીટ સ્પર્ધા યોજાઈ
- “સાઈબર સીક્યુરીટી અવરનેસ એન્ડ ક્રીએટીવ હેન્ડ હોલ્ટીંગ” (CAWACH) કવચ કેન્દ્ર યોજના અંતર્ગત યુનિવર્સીટી કક્ષાએ 8 જિલ્લા ક્લસ્ટરની 377 ટીમ સહભાગી બની
ગુજરાતના વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ અંગે જાગૃત થાય તેવા ઉદ્દેશથી ઉચ્ચ તથા ટેક્નીકલ શિક્ષણ વિભાગ અને સરકારી કૉલેજો,બિન-સરકારી અનુદાનિત કૉલેજો, ગ્રામ વિદ્યાપીઠો અને સ્ટેટ તથા પ્રાઇવેટ યુનિવર્સીટી દ્વારા સ્કીટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. “સાઈબર સીક્યુરીટી અવરનેસ એન્ડ ક્રીએટીવ હેન્ડ હોલ્ટીંગ” (CAWACH) કવચ કેન્દ્ર યોજના અંતર્ગત યુનિવર્સીટી કક્ષાએ 8 જિલ્લા ક્લસ્ટરમાં તા.10 થી 18 ફેબ્રુઆરી, 2025 સુધીમાં “સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ” સ્કીટ સ્પર્ધા યોજાઈ હતી.
સમગ્ર રાજ્યમાં ઉચ્ચ તથા ટેક્નીકલ શિક્ષણ વિભાગ અને સરકારી કૉલેજો,બિન-સરકારી અનુદાનિત કૉલેજો, ગ્રામ વિદ્યાપીઠો અને સ્ટેટ તથા પ્રાઇવેટ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સ્પર્ધામાં કુલ 377 ટીમે ભાગ લીધો હતો. આ સ્કીટ સ્પર્ધા ડિજિટલ નાણાંકીય સલામતી, સામાજિક મીડિયા જાગૃતિ, સાયબર ક્રાઈમ અને નિવારણ, માનસિક સ્વાસ્થ્ય અને ડિજિટલ સુખાકારી અને ડિજિટલ નાગરિકતા અને નૈતિક ઓનલાઈન વર્તન જેવી થીમ પર યોજાઈ હતી.
આ જિલ્લા ક્લસ્ટર સ્કીટ સ્પર્ધા દરમ્યાન શ્રેષ્ઠ નાટ્ય સ્પર્ધક ટીમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરાયા હતા. વિજેતા ટીમને પ્રોત્સાહિત રકમ લેખે પ્રથમ વિજેતાને રૂ. 11,000, દ્વિતીય વિજેતાને રૂ. 7,000 અને તૃતીય વિજેતાને રૂ. 5,000 આપવામાં આવ્યા હતા. જિલ્લા ક્લસ્ટરમાં 16 કોલેજની વિજેતા ટીમે તા. 11 માર્ચના રોજ કે.સી.જી.,કચેરી, અમદાવાદ ખાતે સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો. જેમાં સર્વશ્રેષ્ઠ રજૂઆતના પ્રથમ વિજેતાને રૂ. એક લાખ, દ્વિતીય વિજેતાને રૂ. 71,000 અને તૃતીય વિજેતાને રૂ. 51,000 અપાયા હતા.
આ સ્પર્ધાના જ્યુરી તરીકે ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામક દિનેશ ગુરવ, અમદાવાદ કે-ડીવીઝન, ACP યુવરાજસિંહ ગોહિલ, નાટ્ય ક્ષેત્રના નિષ્ણાંત ડૉ. ત્રિલોકસિંહ મહેતા, ડીન ઓફ સ્ટુડન્ટસ તથા પર્ફોર્મિંગ આર્ટસના ફેકલ્ટી, હાજર રહ્યા હતા.