જો ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન પરિક્ષા લઈ શકે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ નહીં?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ, બી.બી.એ, એમ.કોમ, એમ.બી.એ સહીતની મોટાભાગની બીજા, ચોથા અને છઠા સેમેસ્ટરની પરીક્ષા બાકી

કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી લોઢા ના ચણા ચાવવા સમાન છે. કેમ કે, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ ધોરણ.10ની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામા આવ્યું છે. ત્યારે હવે યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા લેવાશે કે કેમ તેના પર સૌ કોઈની મીટ છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવનારી સેમેસ્ટર-6-4ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ઓનલાઇન આપવી છે કે ઓફલાઇન તેના માટેની સંમતિ માગવામાં આવી છે.

જો કે સૌરાષ્ટ્રનું હબ ગણાતી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇ સત્ર પૂરૂં થવા આવ્યું છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટદારોમાં ઇરછાશક્તિનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે અને યુનિવર્સિટીમા પરીક્ષા લેવી કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકાર નહીં પણ જે તે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાના નિર્ણયમાં વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં કચવાટ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, હાલમા કોરોનાની મહામારી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી પ્રથમ છે કે જે વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેશે.21મી મે સુધીમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન સંમતિ આપવા સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓની સંમતિ આવ્યા બાદ ઓનલાઇન એક્ઝામ કયારે લેવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત કરાશે. જો કે હજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ નિર્ણય લેવામાં વામળી સાબિત થઈ હોય તેમ હજુ સુધી પરીક્ષા સંદર્ભે કોઈ મીટીંગ પણ મળી નથી કે ના કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ પણ ચિંતાતુર બન્યા હોય પરીક્ષા લેવાશે કે કેમ તેના પર પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો જો ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા લઈ શકે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ નહીં?

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાઈ હતી. બીજા તબક્કાની ઓનલાઇન એક્ઝામ આગામી દિવસોમાં લેવાનું નક્કી કરાયું છે. બીજીબીજુ આગામી દિવસોમાં બી.એ, બી.કોમ, બી.એસ.સી અને બીસીએ સેમેસ્ટર-1 અને 6 ઉપરાંત બી.એડ, એમ.એ., એમ.કોમ અને એમ.એડ સેમેસ્ટર-4 અને બી.એડ સેમેસ્ટર-1ની પરીક્ષા લેવામાં આવનાર છે. કોરોના મહામારીની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓને ઓનલાઇન એક્ઝામ આપવા માગે છે કે ઓફલાઇન તેનો વિકલ્પ આપવાનું નક્કી કરાયું છે. યુનિવર્સિટી દ્વારા આજે આ સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ઓનલાઇન કે ઓફલાઇન મોડમાં એક્ઝામ આપવા માગે છે તેની 21મી મે સુધીમાં સ્પષ્ટતા કરવા સૂચના આપવામાં આવી છે. જેઓ ઓનલાઇન એક્ઝામનો વિકલ્પ પસંદ કરશે તેની પરીક્ષા આગામી દિવસોમાં જાહેર કરાશે. જે વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કરશે તેઓની પરીક્ષા કોરોના મહામારી ઓછી થયા બાદ પરિસ્થિતિ અનુકુળ થાય ત્યારે લેવાશે. ઓનલાઇન એક્ઝામમાં કુલ 50 પ્રશ્ન સાથે 50 ગુણની પરીક્ષા લેવાશે. એક પ્રશ્નના જવાબ એક મિનિટમાં આપવાનો રહેશે. આ પરીક્ષા ખઈચ આધારિત રહેશે. એક વખત ઓનલાઇન કે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યા પછી બદલી શકાશે નહીં. આ પરીક્ષા પહેલા મોક ટેસ્ટ લેવાશે.

દરેક વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ આપવી ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપશે નહીં તેમને ઓનલાઇન એક્ઝામ આપવા દેવાશે નહીં તેવી સ્પષ્ટતા પણ પરીક્ષા વિભાગે કરી છે. મોક ટેસ્ટ ઉપરાંત ટ્રાયલ ટેસ્ટ પણ લેવાશે. આ બંને એક્ઝામનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. ટ્રાયલ ટેસ્ટ વિદ્યાર્થીઓના મહાવરા માટે 10 પ્રશ્નોની લેવાશે, એક કરતાં વધારે વખત એક્ઝામ આપી શકાશે. દરેક વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એક્ઝામ ફરજિયાત નથી, પરંતુ  હાલની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામનો વિકલ્પ પસંદ કરે તે હિતાવહ છે તેવી તાકીદ પણ કરાઈ છે. આ ઉપરાંત ઓનલાઇન એક્ઝામના નિયમો અને ગાઇડલાઇન પર વેબસાઇટ પર જાહેર કરાયા છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવે તેવી શિક્ષણ જગતમાં માંગ ઉઠવા પામી છે.

ઓફલાઇન વિકલ્પ પસંદ કરનારા હવે ઓનલાઇનનો વિકલ્પ પણ અપનાવી શકશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ માટે પહેલા તબક્કાની પરીક્ષા પૂર્ણ કરવામાં આવી છે. બીજા તબક્કાની ઓનલાઇન એક્ઝામ આગામી દિવસોમાં લેવાશે. સેમેસ્ટર-1 બી.એ,બી.કોમ, બીએસસી, બીબીએ, બીસીએ અને બી.એડમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓએ ઓનલાઇન વિકલ્પ પસંદ કર્યો નથી તેમને વધુ એક તક આપવામાં આવી છે. જેમણે ઓનલાઇન વિકલ્પ પસંદ કર્યો છે તેઓએ નવો કોઇ વિકલ્પ આપવાનો નથી, પરંતુ જેઓએ ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો છે તેઓ ઇચ્છે તો ઓનલાઇનનો વિકલ્પ પસંદ કરી શકશે. આ ઉપરાંત 30મી એપ્રિલે  લેવાયેલી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં નથી તેઓ પણ જે તે વિષયની પરીક્ષા આપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.