વર્તમાન સમયમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ વધ્યું છે. પણ તકલીફ એ છે કે આપણું શિક્ષણ માત્ર ચોપડીયું જ છે. સ્કિલ બેઇઝ શિક્ષણનો હજુ પણ અભાવ છે. જેના કારણે નોકરીની સમસ્યા વિપુલ પ્રમાણમાં વકરી છે. માટે હવે સરકારે આ દિશાના નક્કર પગલાં લેવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.
દેશમાં તમામ ક્ષેત્રે ફેરફારો આવ્યા છે પણ શિક્ષણની પદ્ધતિ હજુ વર્ષો પુરાણી જ રહી છે. કહેવાય છે કે જ્યારે અંગ્રેજોનું રાજ હતું. ત્યારે અંગ્રજોએ ભારત દેશમાં એવું શિક્ષણ સ્થાપિત કર્યું કે તે શિક્ષણથી માત્રને માત્ર કારકુન જ બની શકાય. જેથી દેશનો કોઈ યુવાન આગળ વધવા માટે સક્ષમ ન રહે અને તેઓનું સાશન યથાવત સ્થિતિમાં જળવાઈ રહે. અંગ્રેજો તો વર્ષો પૂર્વે ચાલ્યા ગયા પણ કમનશીબે આપણે હજુ તેની જ શિક્ષણ પદ્ધતિ સાથે વળગીને રહ્યા છીએ.
હવે સ્કિલ બેઇઝ એજ્યુકેશન જરૂરી બન્યું છે. ઇઝરાયેલ એવો દેશ છે જ્યાં તમામ વિદ્યાર્થીઓને આર્મીની ટ્રેનિંગ ફરજીયાત લેવાની હોય છે. આવો નિયમ તો અનેક દેશોમાં છે. આ વાત તો રહી સુરક્ષાની. પણ ઇઝરાયેલની બીજી વિશેસતા એ છે કે તે જાણે છે કે હવેનો જમાનો આઈટીનો છે. માટે તેને પ્રાથમિક શિક્ષણમાં જ પ્રોગ્રામિંગ ઉમેરી દીધું. જેને પગલે ત્યાંના ટેણીયાઓ પણ હેકિંગમાં, સોફ્ટવેરમાં તેમજ અન્ય આઇટી ફિલ્ડમાં માસ્ટર બની જાય છે.
આપણા દેશમાં હજુ સ્કિલ બેઇઝ શિક્ષણ અપનાવવામાં મોડું કરવામાં આવી રહ્યું છે. આ અંગે જેટલો વિલંબ કરવામાં આવશે. દેશને એટલું નુકસાન થવાનું છે. વધુમાં સરકાર જેમ પંચવર્ષીય યોજનાઓ બનાવે છે. તેમ યુવાનોની રોજગારીને લઈને પણ પાંચથી દશ વર્ષની યોજના બનાવવી જોઈએ. ભવિષ્યમાં ક્યાં ક્યાં ફિલ્ડમાં યુવાનો માટે રોજગારી ઉપલબ્ધ થવાની છે તે પ્રમાણે જ સીટ ઉપલબ્ધ કરવામાં આવે તો યુવાનોને ભણી ગણીને પણ પછતાવું ન પડે.
એક સમય હતો જ્યારે એન્જીનીયરીંગ ક્ષેત્ર પ્રત્યે યુવાનોને ભારે ક્રેઝ હતો. યુવાનોને આ ક્ષેત્રમાં સારી નોકરીઓ પણ મળતો હતો. પરંતુ યુવાનોનો પ્રવાહ તે દિશામાં એવી રીતે વળ્યો કે તેની વેલ્યુ જ ઓછી થઈ ગઈ. સામે એન્જીનીયર વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય નોકરીમાં પગારધોરણ પણ નીચા ચાલ્યા ગયા હતા. આમ ભૂતકાળના અનુભવોને જોઈને સરકારે હવે સમય સાથે ચાલવા માટે ફેરફારો કરવા જોઈએ.