ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને જામનગર સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ગત મધરાતથી ભારે વરસાદ: સવારથી સર્વત્ર વરસાદ ચાલુ
વંથલીમાં સાડા ત્રણ ઈંચ, માળીયા, મેંદરડા, વેરાવળ, જાફરાબાદમાં ત્રણ ઈંચ, કોડીનાર, રાજુલા, ગઢડા, ઉપલેટામાં બે ઈંચ વરસાદ: દ.ગુજરાતમાં પણ અનેક સ્થળોએ મેઘમહેર
વાવાઝોડુ વાયુ પોરબંદરના દરિયાકાંઠા નજીકથી પસાર થઈ જતાં સૌરાષ્ટ્ર અને ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો હાલ સંપૂર્ણપર્ણે હટી ગયો છે. પરંતુ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગત મધરાતથી દરિયાકાંઠા વિસ્તારમાં મેઘરાજાએ મંડાળ કર્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગીર-સામેનાથ જિલ્લામાં સુત્રાપાડા અને તાલાલા પંથકમાં અનરાધાર 6 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. આજે વહેલી સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે હેત વરસાવી રહ્યાં છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 26 જિલ્લાઓના 114 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં 160 મીમી વરસ્યો છે. આ ઉપરાંત ગીર-ગઢડામાં 30 મીમી, કોડીનારમાં 49 મીમી, સુત્રાપાડામાં 150 મીમી, ઉનામાં 36 મીમી, વેરાવળમાં 69 મીમી વરસાદ પડયો છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 23 મીમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં 61 મીમી, કેશોદમાં 34 મીમી, માળીયા હાટીનામાં 69 મીમી, માણાવદરમાં 17 મીમી, માંગરોળમાં 37 મીમી, મેંદરડામાં 74 મીમી, વંથલીમાં 86 મીમી અને વિસાવદરમાં 36 મીમી વરસાદ પડયો છે.
અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર ઉતારી છે. અમરેલી શહેરમાં 30 મીમી, બાબરામાં 12 મીમી, બગસરામાં 10 મીમી, ધારીમાં 21 મીમી, જાફરાબાદમાં 71 મીમી, ખાંભામાં 43 મીમી, લાઠીમાં 30 મીમી, લીલીયામાં 22 મીમી, રાજુલામાં 34 મીમી, સાવરકુંડલામાં 29 મીમી અને વડીયામાં 25 મીમી વરસાદ પડયો છે. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં 33 મીમી, ગારીયાધારમાં 27 મીમી, ઘોઘામાં 13 મીમી, જેસરમાં 35 મીમી, મહુવામાં 39 મીમી, પાલીતાણામાં 34 મીમી, સિંહોરમાં 14 મીમી, તળાજામાં 57 મીમી, ઉમરાળામાં 39 મીમી, વલ્લભીપુરમાં 30 મીમી વરસાદ પડયો છે. બોટાદ જિલ્લામાં ગઢામાં 34 મીમી, બોટાદ શહેરમાં 14 મીમી, બરવાળામાં 19 મીમી અને રાણપુરમાં 23 મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરમાં 34, દ્વારકામાં 10 મીમી, ખંભાળીયામાં 4 મીમી વરસાદ વરસ્યો છે.
પોરબંદર જિલ્લામાં કુતિયાણામાં 4 મીમી, પોરબંદરમાં 23 અને રાણાવાવમાં 20 મીમી વરસાદ પડયો છે. તો જામનગર જિલ્લાના જામજોધપુરમાં 14 મીમી, જામનગરમાં 26 મીમી, જોડીયામાં 2 મીમી, કાલાવડમાં 10 મીમી વરસાદ પડયો છે તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 41 મીમી, ગોંડલમાં 14 મીમી, જામકંડોરણામાં 17 મીમી, જસદણમાં 6 મીમી, જેતપુરમાં 15 મીમી, કોટડા સાંગાણીમાં 5 મીમી, લોધીકામાં 12 મીમી, પડધરીમાં 10 મીમી, રાજકોટમાં 1 મીમી, ઉપલેટામાં 48 મીમી અને વિંછીયામાં 16 મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં 10 મીમી, ચોટીલામાં 2 મીમી, સાયલામાં 15 મીમી, લીંબડીમાં 5 મીમી અને વઢવાણમાં 5 મીમી જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
વાવાઝોડા વાયુની અસરના કારણે આજે કચ્છ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક સ્થળોએ 8 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. આ લખાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. દ.ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે.
વાયુએ વાવાઝોડાને ઉડાડયુ પરંતુ વરસાદ તો નહીં ઉડાડેને?: જગતનો તાત ચિંતિત!!!
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પૂર્વે જ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાએ સમગ્ર ચોમાસાની સીસ્ટમને વેર-વિખેર કરી નાખી છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં ચોમાસુ નિર્ધારીત સમય કરતા 15 દિવસ મોડુ બેસે તેવી દહેશત ખુદ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ત્યારે જગતાતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ આપે તેવી શકયતા ઉભી થઈ હતી પરંતુ વાવાઝોડાએ દિશા ફેરવી લેતા હવે ભારે વરસાદ તો એક બાજુ રહ્યો પરંતુ નિયમીત ચોમાસુ પણ ડિસ્ટર્બ થયું છે. ગત સપ્તાહે કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું હતું. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેસ્યા બાદ ગુજરાતમાં 15 દિવસ પછી મેઘરાજાએ પધરામણી થતી હોય છે. રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસુ બેસતુ હોય છે પરંતુ આ વર્ષે જે રીતે ચોમાસુ કેરળમાં જ નિર્ધારીત સમય કરતા એક સપ્તાહ મોડુ બેસ્યુ જેના કારણે ગુજરાતમાં પણ 20 તારીખ પછી વરસાદ શરૂ થાય તેવી આશા ખેડૂતોમાં ઉભી થઈ હતી. પરંતુ વાયુ નામના વાવાઝોડાએ ચોમાસાની જે સીસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહી હતી તેને સંપૂર્ણપર્ણે વિખેરી નાખી છે. વાતાવરણમાંથી ભેજને સોશી લીધો છે. જેના કારણે હવે રાજ્યમાં સત્તાવાર રીતે જૂનમાં ચોમાસુ બેસે તેવી કોઈ જ શકયતા હાલ જણાતી નથી. છેલ્લા બે દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તે ચોમાસાનો નહીં પરંતુ વાયુ વાવાઝોડાની અસરના કારણે વરસી રહ્યો છે. રાજ્યમાં આ વખતે ચોમાસુ ભારે ડિસ્ટર્બ થયું છે. જો કે, પાછોતરા વરસાદમાં ઘટ સરભર થઈ જાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.