આજે રાજ્યના છ મહાનગરોમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે. રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે.
આજે લગ્ન પ્રસંગ હોય તેવા વરવધુ મતદાન કરવા પહોંચ્યા હોય તેવા દાખલા બન્યા છે. આવો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે યોજાયેલ રહેલ મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે આજરોજ પુનાગામ સ્થિત વોર્ડ નં. 16 પુણા પશ્ચિમ મતદાન મથક પર નિધિ ગેલાની નામની યુવતી દુલ્હનના જોડામાં મતદાન કરવા પહોંચી હતી. અનુસ્નાતક કરી ચુકેલી નિધિ ગેલાનીના આજે લગ્ન છે. તેણીએ લગ્ન પહેલા લોકશાહીના પર્વમાં ભાગ લેવા પોહચી હતી. આ અંગે નિધિ ગેલાનીએ જણાવ્યું હતું કે, આજે લગ્નની સાથે મતદાન કરવાનો અનેરો અવસર મળ્યો છે. લગ્ન પહેલા મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં મતદાન કરી આજે તેમણે ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી.