માવઠાએ માઠી કરી
આંબામાંથી મોર ખરી પડયો, કેરીના પાકમાં ૩૦ ટકા ઓછો ઉતારો આવે તેવી ભીતિ
જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, માળીયા, વિસાવદર પંથકમાં ઝાપટાથી લઇ ૭ મીમી સુધીનો કમોસમી વરસાદ નોંધાતા કરોડો રૂપિયાની નુકશાનીની શક્યતાઓ સાથે કિશાન પુત્રોમાં ચિંતાનો વધારો થયો છે, અને તૈયાર થયેલ પાક બગડતાં મોં એ આવેલો કોળિયો જૂટવાઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિ માં મુકાયા છે. જૂનાગઢ જિલ્લામાં ગુરુવારે માંગરોળ, માળીયા, વિસાવદર પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઝાપટાંથી લઈને ૭ મીમી સુધીનો કમોસમી વરસાદ થતાં તૈયાર થઈ ગયેલ ઘઉંના પાકને નુકશાન થયું છે, દુંડીમાથી દાણા ખરી જવાના, દાણો કાળો પડી જવાની અને ઝાપટા સાથે પવન ફૂંકાયો હોવાથી પાક નમી જવાથી ખેડૂતોમાં ચિંતાના પ્રસરી જવા પામી છે. તો જેમના ખેતરમાં ધાણા ઉભા છે તેવા ખેડૂતોને આ માવઠાથી ભારે નુકસાની ભોગવવી પડશે તેવું જણાવી રહ્યા છે, ખેડૂતોના જણાવ્યા પ્રમાણે માવઠાના કારણે તેમના ધાણા કાળા પડી ગયા છે, ધાણામાં પણ ભેજ લાગી જતા ગુણવત્તા નબળી પડી ગઇ છે. તેના કારણે આર્થિક નુકશાની ભારે ભોગવવી પડશે.
આવી જ હાલત કેરીના બગીચા ધારકોની થઈ છે, તેમના કહેવા પ્રમાણે આંબામાં આવેલ મોર માવઠાના કારણે ખરી પડ્યા છે, અને તેના કારણે પાકને ૩૦ ટકાથી વધુ નુકશાની જશે, અને જે કેરી બંધાઈ છે તે ફળ પણ નબળા પડશે. માવઠાના ભોગ બનેલા ખેડૂતોના જણાવ્યા અનુસાર, માવઠાની અસર ખેડૂતોને ભારે આર્થિક મુશ્કેલીમાં મૂકી દેશે, કારણકે માવઠાના કારણે ઘઉં ખરી રહ્યા છે અને હવે ગુણવત્તા પણ નબળી પડશે, અને ઘઉં તથા ધાણા માવઠાના કારણે કાળા પડી જશે જેથી કરીને ખેડૂતોને મળતા ભાવ ઓછા મળશે અને વેચાણ વખતે રૂપિયાની મોટી નુકશાની સહન કરવાનો વારો આવશે.
આવી જ રીતે કેરીના બગીચાના માલિકો આ વર્ષે કેરીનો ઉતારો ૩૦ ટકા જેટલો ઓછો આવે તેવી ચિંતા કરી રહ્યા છે અને તેમને પણ ૩૦ ટકા જેટલો ઉતારો ઓછો આવશે તો વર્ષભરની કમાણી હોય તે માટે નહિ નાખવાનો વારો અત્યારથી આવી ગયો છે, તેવું જણાવી રહ્યા છે.