સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના સિમાડા પાર કરી પ્રજાનું પોતીકુ બનેલું અખબાર અબતક આજે ૭માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આ અવસરનો ઉલ્લાસ અને હરખ સૌ કોઈના હૃદયમાં હોય તે સ્વાભાવિક છે. રાજકોટની પ્રજાની ઓળખ અને અવાજ સમાન અખબારના પાયામાં વાચકોનો અતૂટ વિશ્વાસ અને આત્મીયતા ધરબાયેલી છે.
અબતક એ રાજકોટના લોકોનું અખબાર છે, છેલ્લા છ વર્ષમાં રાજકોટના વિકાસ માટે, રાજકોટનો અવાજ રજૂ કરવા માટે અખબારે નીડર અને નિષ્પક્ષપણે પોતાનો ધર્મ બજાવ્યો છે અને એટલે અમારૂ અખબાર છે તેવું રાજકોટવાસીઓ અનુભવી રહ્યા છે.
ટેક્નોલોજી અને ગુણવત્તાના મામલે અખબાર વધુ સુદ્રઢ બન્યું છે. રંગ, રૂપ અને આધુનિકતાના સ્વાંગ સજી સફળતાના નવા આયામો સર કર્યાં છે. રાજકોટનો અવાજ માત્ર સ્થાનિક કક્ષાએ દબાયેલો નહીં રહેતા અબતકના વિશાળ નેટવર્ક દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી પણ પહોંચ્યો છે.
અખબાર વાચકના જીવનનું અભિન્ન અંગ બની રહેવું જોઈએ અને તે માટે અબતકે પ્રજાની વેદના, સમસ્યા ઓળખી તેને માત્ર વાચા નથી આપી પણ પ્રશ્નના નિરાકરણ સુધીની જવાબદારી સુપેરે સંપન્ન કરી છે.
માત્ર આટલું કરવાથી આત્મસંતોષ મેળવી અટકી નથી ગયા પણ આવતા વર્ષોમાં પ્રજાના પ્રશ્નો અંગે તંત્ર ગતિશીલ બને તે માટે વાચકોની શક્તિના સથવારે આગળ વધવા કટીબદ્ધ બને એવી શુભેચ્છાઓ.
વાચકોના પ્રેમ, હુંફ અને લાગણીના તથા મેનેજિંગ તંત્રી શ્રી સતીષ સરના દીર્ધદ્રષ્ટા માર્ગદર્શનના સથવારે સતત સક્રિય રહી પત્રકારત્વની કંડારેલી નવી કેડીના માર્ગે આગળ વધો એવી શુભકામના.