રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા-તારાપુર-વાસદના છ માર્ગિય રસ્તાનું કામ ચાલુ છે ત્યારે સાબરમતી નદી પર બગોદરા-તારાપુર અને વાસદને જોડતા ગલીયાણા ખાતે રૂા. ૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલાં પુલનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું.
બગોદરા-તારાપુરથી વાસદના માર્ગને છ માર્ગિય બનાવી ઝડપી મુસાફરી માટેનાં માર્ગ મોકળા કરી દેવામાં આવ્યા છે. આ છ માર્ગિય (સિક્સ લેન) સુઆયોજિત આંતરમાળખાકીય પરિવહનને કારણે ઇંધણ, સમયમાં ઘટાડો થશે. સાથે સાથે અકસ્માતોની સંભાવના પણ ઘટશે.
આગામી બે વર્ષના સમયગાળામાં બે તબક્કામાં આ છ માર્ગીય રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં બગોદરાથી તારાપુરનો 53.800 કિલોમીટરનો રસ્તો અંદાજિત રૂા. 649 કરોડના ખર્ચે તૈયાર થશે. જ્યારે બીજા તબક્કામાં તારાપુરથી વાસદ સુધીનો 48.10 કિલોમીટરનો છ માર્ગીય રસ્તો અંદાજે રૂા.1005 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સરળ બની રહેશે જેનો અંદાજે રૂા.1700 કરોડનો ખર્ચ થશે.