રૂ.1.50 કરોડ માસિક 10 થી 30 ટકા વ્યાજ ચુકવ્યું:રૂ.6.13 કરોડ ચુકવ્યા છતાં વધુ વ્યાજ પડાવવા છરી બતાવી ધમકી દીધી
રાજયમાં વ્યાજંકવાદને નાબુદ કરવા સરકાર અને પોલીસ દ્વારા શરુ કરાયેલી ઝુંબેશ અંતર્ગત શહેરમાં વધુ બે ગુના સાત શખ્સો સામે નોંધાયા છે. સાધુવાસવાણી રોડ પર રહેતા જમીન મકાનના ધંધાર્થીએ અમદાવાદ, ગોંડલ અને રાજકોટના છ શખ્સો પાસેથી રુા.1.50 કરોડ માસિક દસ થી ત્રીસ ટકા વ્યાજના દરે લીધા બાદ અત્યાર સુધીમાં તમામને રુા.6.13 કરોડ ચુકવી દીધા છતાં છરી બતાવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મિલકત પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે જીવરાજપાર્કના વેપારીએ પોતાના પાડોશી પાસેથી રુા.50 હજાર વ્યાજે લીધા બાદ એક લાખ ચુકવી દીધા છતાં ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ અમદાવાદના અને 2018થી રાજકોટમા સ્થાયી થઇ સાધુવાસવાણી રોડ પર પામ સિટીમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી માધવ હરેશભાઇ તેરૈયાએ રાજકોટ કાનો ધોળકીયા, જગા મીર, કલ્પેશ વકાતર, નવઘણ ભરવાડ, ગોંડલના ધવલ મહેશ જોષી અને અમદાવાદના અમિત દેસાઇ સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મિલકત પડાવી લીધાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે.
માધવ તેરૈયાએ જમીન મકાનના વ્યવસાય માટે કાના ધોળકીયા અને જગા મીર પાસેથી રુા.38 લાખ વ્યાજે લીધા હતા તેઓને અત્યાર સુધીમાં માસિક દસ ટકા વ્યાજના દરે 70 લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ 50 લાખની માગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
અમદાવાદના અમિત દેસાઇ પાસેથી રુા.70 લાખ માસિક દસ ટકા વ્યાજના દરે લીધા હતા તેને અત્યાર સુધીમાં 4 કરોડ ચુકવ્યા હતા જેમાં અમરેલીની બે કરોડની મિકલત અને રુા.2 કરોડ રોકડા ચુકવ્યા હતા તેમ છતાં એક કરોડ વસુલ કરવા છરી બતાવી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ગોંડલના ધવલ જોષી પાસેથી રુા.16 લાખ માસિક 30 ટકા વ્યાજે લીધા હતા. જે પેટે તેને રુા.35 લાખ ચુકવી દીધા તેમ છતાં તે વધુ રુા.30 લાખની માગણી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. કલ્પેશ વકાતર પાસેથી રુા.8 લાખ માસિક માસિક 4 ટકા વ્યાજે લીધા હતા તેને આઠ લાખ ચુકવી દીધા છતાં વધુ 6 લાખની માગણી કરે છે અને નવઘણ ભરવાડ પાસેથી રુા.20 લાખ માસિક 30 ટકા વ્યાજે લઇ અત્યાર સુધીમાં 30 લાખ ચુકવી દીધા તેમ છતાં વધુ 50 લાખના વ્યાજની મગાણી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.જીવરાજ પાર્કમાં આવેલી લક્ષ્મણ ટાઉન સીપમાં રહેતા રાજેશ હસમુખભાઇ કોટેચા નામના રિક્ષા ચાલકે પોતાના પાડોશી અજીતસિંહ દિલુભા ચાવડા પાસેથી રુા.50 હજાર ડેઇલીના 1500 ચુકવવાની શરત સાથે વ્યાજે લીધા હતા તેને અત્યાર સુધીમાં એક લાખ ચુકવી દીધી હોવા છતાં મુદલ અને વ્યાજની ઉઘરાણી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.