જામનગર, કચ્છ અને ઉકઈમાં ૧.૨ થી ૨.૪ની તીવ્રતાના આંચકા અનુભવાયા
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા દોઢેક માસથી ભૂકંપના આંચકા દરરોજ અનુભવાઇ રહ્યા છે. લોકોમાં પણ એક ભયનો માહોલ બન્યો છે ત્યારે ફરી છેલ્લા ૧૦ કલાકમાં રાજ્યમાં ૬ આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર રાતે ૯:૪૧ વાગ્યે કરછના ધોળાવીરાથી ૧૯ કીમી દૂર ૨.૪ રિક્ટર સ્કેલનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ રાતે ૧૨ વાગ્યે કરછના ભચાઉથી ૨૩ કિમી દૂર ૧.૨ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. મોડી રાતે ૧:૧૧ વાગ્યે જામનગરથી ૨૩ કીમી દૂર ૧.૯ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. વહેલી સવારે ૪:૦૬ કલાકે જામનગરથી ૨૪ કીમી દૂર ૧.૯ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે અને સવારે ૬:૩૦ કલાકે દક્ષિણ ગુજરાતના ઉકઈથી ૪૧ કિમી દૂર ૧.૯ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ સવારે ૭:૨૫ કલાકે દક્ષિણ ગુજરાતના ઉકઈથી ૩૪ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો.વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં આવેલા ભૂકંપ હળવાથી મધ્યમ હોય કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી.