- દાહોદ ખાતે નવુ એરપોર્ટ બનાવાશે: વડોદરા, સુરત, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના અપગ્રેડેશન દ્વારા એરકનેકિટવીટી સુદ્રઢ કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2025-26ના વર્ષના ગુજરાતના બજેટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું-ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે. આ માટે રૂ. 50 હજાર કરોડના પ્રાવધાન સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાને તેમણે મહત્વપૂર્ણ ગણાવી છે.
રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂ.3.70 લાખ કરોડના આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તૂલનાએ 21.8% નો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે
મુખ્યમંત્રીએ ઇન્ફાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટી માટે આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓને આવકારતા જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત માટે છ રિજીયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવશે. સુરત રિજન, અમદાવાદ રિજન, વડોદરા રિજન, રાજકોટ રિજન, સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજન અને કચ્છ રિજન એમ કુલ છ ગ્રોથ હબ બનાવવાનું આ બજેટમાં પ્રાવધાન છે.
મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં કામોના આયોજનની ભૂમિકા આપી હતી.
વિકસિત ગુજરાતની દિશાને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. નમોશક્તિ એક્સપ્રેસ-વેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે.
એટલું જ નહિ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેને અમદાવાદ, રાજકોટ અને દ્વારકા, સોમનાથ, પોરબંદર સાથે જોડવાના પ્રાવધાન અંગે જણાવ્યું હતું કે આ માર્ગોના વિકાસથી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ કનેક્ટિવીટી મળશે.
આ ઉપરાંત રાજ્યમાં પ્રવાસીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટે દાહોદ ખાતે નવા એરપોર્ટના નિર્માણની જાહેરાત તેમજ વડોદરા, સુરત, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના અપગ્રેડેશન દ્વારા એરકનેક્ટિવીટી સુદ્રઢ કરવાની બાબતને પણ મુખ્યમંત્રીએ વધાવી હતી.
રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા અંબાજી કોરિડોર અને ધરોઈ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિકાસ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા માટે 2025ના સમગ્ર વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. આ માટે સમગ્રતયા શહેરી વિકાસના બજેટમાં 40%નો વધારો કરીને વધુ 31 હજાર કરોડ રૂપિયા આ બજેટમાં ફાળવ્યા છે. આ સાથે જ નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે.
સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મત્સ્યોદ્યોગમાં અગ્રેસર છે અને મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે અભૂતપૂર્વ 1622 કરોડ રૂપિયાની માતબર રકમનું પેકેજ બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ દ્વારા માછીમારો માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને એક્સપોર્ટ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કૃષિ ક્ષેત્ર માટે રૂ. 1612 કરોડ બજેટમાં ફાળવીને રાજ્યના ખેડૂતો અને ખેતીનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૃષિ ઉત્પાદનના વેલ્યૂ એડિશન દ્વારા ખેડૂતની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રમોશન માટે આ બજેટમાં પ્રાવધાન છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
યુવાશક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે સાત ટેકનિકલ સંસ્થાઓમાં એ.આઈ. લેબ અને સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા ચાર રિજિયનમાં આઈ-હબની સ્થાપનાને તેમણે આવકારી હતી.
મુખ્યમંત્રીએ નારીશક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના ‘સખી સાહસ યોજના’ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સ્વ-સહાય જૂથની બહેનોને આ યોજનામાં સાધન સહાય, લોન ગેરંટી વગેરે માટે રાજ્ય સરકાર મદદરૂપ થશે.
તેમણે કહ્યું હતું કે, ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ માટે ગત વર્ષના બજેટ કરતા 25 ટકાનો વધારો કરીને 8460 કરોડનું બજેટ ફાળવ્યું છે.
રાજ્યના આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક સુરક્ષાની પણ દરકાર સરકારે કરી છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં આપવામાં આવતા વીમા સુરક્ષા કવચને બમણું એટલે કે બે લાખથી ચાર લાખ કરવામાં આવ્યું છે. આ વીમા કવચનો લાભ લગભગ 4 કરોડ 45 લાખથી વધુ લોકોને મળશે એમ પણ ઉમેર્યું હતું.
તેમણે દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, દિવ્યાંગો માટેની પાત્રતા 80 ટકાથી ઘટાડીને 60 ટકા કરી છે. આના પરિણામે 85 હજારથી વધુ દિવ્યાંગો લાભાર્થી બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા યોગદાન આપવા પ્રેરિત કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું તેમજ વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વગ્રાહી બજેટ આપવા માટે નાણામંત્રી કનુભાઈ અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા.
વડાપ્રધાનના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરતું ગુજરાતનું બજેટ: સી.આર.પાટીલ
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકસીત ગુજરાત, મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા સાથેનું બજેટ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ સૌથી મોટા કદનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું રજૂ કર્યુ છે. રાજયના બજેટને પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલજીએ આવકાર્યુ છે. સી.આર.પાટીલે જણાવ્યું કે, વર્ષ 2025-26નું બજેટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરતું બજેટ છે. બજેટમાં દરેક વર્ગને ધ્યાને રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમજ બજેટમાં બાળકો,મહિલા સશક્તિકરણ,યુવાનો અને ખેડૂતો ને હિતમાં રાખી રજૂ કરવામાં આવ્યું છે જે બદલ નાણામંત્રી કનુભાઇ દેસાઇ સહિત તેમની ટીમને અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગત વર્ષ કરતા 21.8 ટકાનો વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.