મેનેજરે પોતાના ભાઈનું જ વેન્ડર પાસ કરાવી ઓછો અને સસ્તી ગુણવતા વાળો માલ આપી કરી લાખોની ઉચાપત
જામનગરમાં મોટી ખાવડી ખાતે આવેલા રિલાયન્સ મોલના મેનેજર સહિત છ શખ્સોએ હલકી ગુણવત્તા અને સસ્તો માલ સામાન આપી રૂ 63.11 લાખની કંપની સાથે છેતપીંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. મોલના મેનેજરે પોતાના સગભાઈનું જ વેન્ડર પાસ કરાવી અન્ય કર્મચારી સાથે મળીને ષડયંત્રને અંજામ આપ્યાનું તપાસમાં જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદમાં રહેતા અને રિલાયન્સ રીટેઇલ લિમિટેડના વેસ્ટ ઝોનના મેનેજર જોનસિંગ ભગવાનજી ચાવડાએ પોલીસ મથકના ફરિયાદ નોંધાવી હતી. જેમાં જામનગર મોટી ખાવડી રિલાયન્સ મોલના મેનેજર લલિત નવારામ ભારતી, શાકભાજી વિભાગના મેનેજર શિવપૂજન રામકિશોર તિવારી, સિક્યુરિટી ગાર્ડ સચિનસિહ શૈલેન્દ્ર સિંહ તથા લલિતના ભાઈ માંગીલાલ ભારતી, જયપાલસિંહ ચુડાસમા અને ચેના રામ સામે કંપની સાથે રૂ.63,11,775 ની છેતપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી પાસે આવેલા રિલાયન્સ કંપનીના મોલમાં નૌકરી કરતા છ શખ્સો લલિત નવારામ ભારતી, શિવ પૂજન રામકિશોર તિવારી, માંગીલાલ નવારામ ભારતી, ચેનારામ મારવાડી, જયપાલસિંહ ચુડાસમા, અને સચિનસિંહ શૈલેન્દ્રસિંહ કે જે તમામ છ શખ્સોએ મસમોટું કૌભાંડ આચર્યું હતું, અને ખાનગી કંપનીના મોલમાંથી અમેરિકન શક્કરિયા તથા અન્ય જુદી જુદી વસ્તુઓ વગેરે મોલમાંથી ખરીદી કર્યા પછી તે માલ સામાન વેચાણના બહાને સ્ટોરમાંથી બહાર જાય, તેના કરતા ઓછો માલ જે તે સ્થળે પહોંચાડી બાકીનો માલ ફરીથી પોતાની પેઢી મારફતે કંપનીને બીજી વખત બિલ બનાવી કંપનીને સપ્લાય કરી ધાબડી દેતા હતા.
આ રીતે એકના એક માલની રી-સાઇકલ ચલાવીને કંપની સાથે કુલ 63,11,775 ની છેતરપીંડી કરી હતી. ઉપરોક્ત સમગ્ર મામલો ખાનગી કંપનીનો સિક્યુરિટી વિભાગને ધ્યાનમાં આવ્યો હતો, અને બિલ કરતાં ઓછો માલ સપ્લાય કર્યો હોવાથી તેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન મોલમાં જ કામ કરતા ઉપરોક્ત કર્મચારી, ઉપરાંત ડીલેવરી મેન સહિતની ટોળકીનું કારસ્તાન હોવાનું ધ્યાનમાં આવતાં આખરે ખાનગી કંપનીના જન2લ મેનેજર જોનસીંગ ભગવાનજી ચાવડા દ્વારા મેઘપર પોલીસ મથકમાં તમામ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને મેઘપર પોલીસે ગુનો નોંધ્યો છે. હાલમાં તમામ છ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.