અન્ય દેશોના ૭ મુસ્લિમ સહિત કુલ ૧૬૦ લોકોની અરજી પોલીસ પ્રક્રિયા હેઠળ
રાજકોટ જિલ્લામાં વસતા ૧૫૩ લોકોને નાગરિકતા સંશોધન કાયદા હેઠળ ભારતીય નાગરિકત્વ મળવાનું છે. જો કે, જિલ્લામાં ૭ મુસ્લિમ સહિત કુલ ૧૬૦ લોકોની અરજી થઈ છે જે પોલીસ પ્રક્રિયા હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. નાગરિકતા સંશોધન બીલ લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થયા બાદ રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી હતી. જેથી આ બીલ કાયદામાં પરિવર્તીત થયું છે. આ કાયદા પ્રમાણે ૨૦૧૪ પૂર્વેથી ભારતમાં વસતા બિન મુસ્લિમ વિદેશી લોકોની ભારતીય નાગરિકત્વ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા આવા લોકોની ઓળખ મેળવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે અગાઉ ૭ વર્ષથી રાજકોટ જિલ્લામાં વસતા અન્ય દેશોના ૭ મુસ્લિમ સહિતના ૧૬૦ લોકોએ ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી હતી. આ અરજી હાલ વિવિધ જગ્યાએ પ્રક્રિયા હેઠળ છે. આ દરમિયાન નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવતા આ ૧૬૦ લોકોમાંથી ૧૫૩ લોકોને ભારતીય નાગરિકત્વ મળી શકે તેમ છે. હવે આગામી દિવસોમાં આવા લોકોની ઝીણવટભરી તપાસ સાથે ઓળખ કરીને તેઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં વસતા મુળ અન્ય દેશોના બિન મુસ્લિમ લોકોને નાગરિકતા સંશોધન કાયદા હેઠળ ભારતીય નાગરિકતા પ્રદાન કરવા સરકારે પુરજોશમાં કાર્યવાહી આદરી છે.