રેલનગર પાસેના નાથદ્વારા પાર્કની જમીનનું ૧૪ વર્ષ પહેલાં થયેલા વેચાણના હિસાબના પ્રશ્ર્ને કુટુંબીજનો સાથે ચાલતી માથાકુટની રાવ: ત્રણ મહિલા સહિત ૧૫ સામે નોંધાતો ગુનો

રેલનગર પાસે આવેલા નાથદ્વારા પાર્કની બે એકર અને સાત ગુઠા જમીનનું ૧૪ વર્ષ પહેલાં થયેલા વેચાણ અંગે વારસાઇ ભાગના પ્રશ્ને ચાલતા વિવાદના કારણે એડવોકેટની માતા અને પત્ની સહિત છ વ્યક્તિઓ પર ધોકાથી હુમલો કરી ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા શેરી નંબર ૨માં રહેતા વિજયાબેન દિલીપભાઇ સિતાપરા (ઉ.વ.૪૫), ધનજીભાઇ ઠાકરશીભાઇ સિતાપરા (ઉ.વ.૬૫), શાંતાબેન ઠાકરશીભાઇ સિતાપરા (ઉ.વ.૬૦),શારદાબેન કેશુભાઇ સિતાપરા (ઉ.વ.૩૮), સોનલબેન ભરતભાઇ સિતાપરા (ઉ.વ.૩૫) અને સંજયભાઇ દિલીપભાઇ સિતાપરા (ઉ.વ.૩૦) પર હુમલો થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

એડવોકટ ભરતભાઇ સિતાપરાના માતા, પિતા, કાકી, ભાભી અને પત્ની સહિત છ પર ધોકાથી હુમલો થયા અંગેની ધનજીભાઇ ઠાકરશીભાઇ સિતાપરાએ પ્ર.નગર પોલીસમાં નરશી ગોકળ સિતાપરા, નરશીનો જમાઇ, કાળીબેન નરશી, નાનજી ગોકળ, મંજુબેન નાનજી, સંજય નાનજી, રાજુ ગોકળ, અરવિંદ ગોકળ, અરૂણાબેન અરવિંદ, વિનુ ગોકળ, જોત્સનાબેન વિનુ ગોકળ, સુનિલ વિનુ, સંજય અરવિંદ, મગન મોહન, વાઘજી મોહન અને ગોવિંદ લખમણ નામના શખ્સોએ ધોકાથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

એડવોકેટ ભરતભાઇ સિતાપરાના દાદા ઠાકરશીભાઇની સયુંકત માલિકીની જમીન રેલનગર નજીક આવેલા નાથદ્વારા પાર્કની જમીનનું વેચાણ થયું ત્યારે તમામને તેનો હિસ્સો ચુકવી દીધો હોવા છતાં વડીલોપાર્જીત મિલકતનો ભાગ ન આપ્યાનું કહી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

એડવોકેટના પરિવાર પર હુમલો થતા બાર એસોસિએશન દ્વારા આરોપીનો બચાવ કરવા કોઇ એડવોકેટ નહી રોકાય તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.