શહેરમાં ભૂગર્ભ ગટરના કામ પૂરા થતા નથી, વધુ રૂ.28 લાખનો ખર્ચ મંજુર કરાયો
અબતક, જામનગર
જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રૂા.3.14 કરોડના ખર્ચની વિવિધ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની એક બેઠક આજે ચેરમેન મનીષભાઇ કટારીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, કમિશ્ર્નર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશ્ર્નર વસ્તાણી તથા સમિતિના કુલ 9 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત રણમલ તળાવ, લાખોટા કોઠા મ્યુઝીયમ તેમજ સરદાર વલ્લભભાઇ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે સીવીલ વર્કના કામ અંગે રજૂ કરેલી કમિશ્ર્નરની દરખાસ્તને રૂા.44.73 લાખનો ખર્ચ મંજૂર કરાયું હતું. પી.પી.પી.મોડ આધારિત સી.એમ.અર્બન બસ પ્રોગ્રામ હેઠળ 10 બસોનું વાર્ષિક સ્વભંડોળનું ખર્ચ રૂા.86.40 લાખ મંજૂર કરાયું હતું. શહેરના સીવીલ વેસ્ટ ઝોનમાં જુદી-જુદી જગ્યાએ હોર્ડિગ્સ બોર્ડ લગાવવા રૂા.12.75 લાખ મંજૂર કરાયા હતા.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ હેઠળ શહેરના વેસ્ટ ઝોન હેઠળ આવતા વિસ્તારમાં હયાત અને કાર્યરત ભુગર્ભ ગટર નેટવર્કને મજબુત કરવા રૂા.7 લાખનો વાર્ષિક રેટ કોન્ટ્રાકટ મંજૂર કરાયો હતો. શહેરના સાઉથ ઝોનમાં, ઇસ્ટ ઝોનમાં અને નોર્થ ઝોનમાં પણ રૂા.7-7 લાખ મંજૂર કરાયા હતા. વોર્ડ.નં.10, 11 અને 12માં ગાર્ડન સંબંધીત કામ માટે થયેલ રૂા.3 લાખનું વધારાનું ખર્ચ મંજૂર કરાયું હતું.
વોર્ડ.નં.10, 11, 12 તેમજ 8, 15 અને 16માં નંદઘર (આંગણવાડી કેન્દ્ર) બનાવવા માટે રૂા.92.99 લાખ મંજૂર કરાયા હતા. વોર્ડ.નં.11માં રામવાડી શેરી.નં.5માં આહીર સમાજ પાછળ રૂા.4.20 લાખના ખર્ચે સી.સી.રોડ બનાવવાનું મંજૂર કરાયું હતું. વિકેન્દ્રીત જિલ્લા આયોજન મંડળની ધારાસભ્ય અને સંસદ સભ્યોની 100 ટકા ગ્રાંટ અન્વયે શહેરમાં આર.સી.સી. બેન્ચીઝ સપ્લાય કરી ફીટ કરવા માટેનું કામ રૂા.25 લાખના ખર્ચે મંજૂર કરાયું હતું. શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના મજબુતી કરણ માટે રૂા.20 લાખનું ખર્ચ મંજૂર કરાયું હતું. વોર્ડ.નં.8, 15 અને 16માં ગટરના કામ અંગે વધારાનો રૂા.5 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. તેમજ ચરેડાના કામ માટે થયેલ રૂા.5 લાખનું વધારાનું ખર્ચ મંજૂર કરાયું હતું. આમ આ બેઠકમાં કુલ રૂા.3,14,32,000નું ખર્ચ દર્શાવતી દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી.