દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ મથકના સ્ટાફ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરી સરકારી વાહનને નુકસાન પહોંચાડવાના ગુનામાં નાશી છૂટેલી બંદરી ગેંગના છ શખ્સોને એલ.સી.બી.-એસ.ઓ.જી.એ ગણતરીના કલાકોમાં ઝડપી લઇ આકરી પુછપરછ હાથધરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
વાહન અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસવાનને ઠોકરે લઇ નાશી છૂટ્યા’તા
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ગુનાખોરી આચરી નાશતા ફરતા શખ્સોને ઝડપી લેવા એસ.પી.નિતેશ પાંડેય આપેલી સુચનાને પગલે એલ.સી.બી.-એસ.ઓ.જી.ના પી.આઇ.કે.કે.ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.
ત્યારે મીઠાપુર પોલીસને આરંભડા પાસે બોલેરો કેમ્પરના ચાલકે સ્ટાફને વાહનને ઠોકરે લઇ મારી નાખવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરનાર દરેડ ખાતે રહેતો સેટીયા બાબુ બોકડે, શંકર બાબુ બોકડે, ગોપાલ રાજુ બોકડે, ક્રીશ રાજુ કૈરે, પરબત રાજુ કૈરે અને ભરત મસુ ઉર્ફે પોસીયા ઝીલ્યે સહિતના શખ્સો ખંભાળીયા-જામનગર ધોરી માર્ગ પર દેવળીયા ચોકી નજીક પોતાનું વાહન છોડાવવા માટે એકઠા થયા હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. બી.એમ.દેવમુરારી સહિતના સ્ટાફે દરોડો પાડી છ શખ્સોની ધરપકડ કરી રોકડ, મોબાઇલ મળી રૂા.23,360નો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા શખ્સો મુળ મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના વતની છે. તેઓના વડવાઓ મુળ વાંદરાના ખેલ કરાવવાના વ્યવસાય કરતા હતા. આથી તેઓ બંદરી તરીકે ઓળખાય છે. વંશ પરંપરાગત વાંદરાના ખેલ કરવાનો ધંધો બંધ થતા હાલ તેઓ ભુંડની ચોરી કરે છે. આ જ્ઞાતિના મુખ્યત્વે લોકો અમદાવાદ વિસ્તારમાં રહે છે.
ઝડપાયેલો સેટીયો સામે જુગાર અને મારામારી શંકર સામે હત્યાની કોશિષ અને મારામારીના ગુનામાં અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ ચોંપડે ચડી ચુક્યો છે.