દામનગરથી બાઇક પર બે અજાણી મહિલાને વાડીએ લાવ્યા બાદ કારમાં ઘસી આવેલા અજાણ્યા શખ્સો પાઇપથી માર મારી અપહરણ કરી બળાત્કારની ફરિયાદ ન કરવા રૂ.૧૦ લાખ માગ્યા
ગારીયાધાર તાલુકાના માંડવી ગામના ૬૨ વર્ષના રંગીન મીજાજી પટેલ વૃધ્ધને બે મહિલા સહિત છ શખ્સો હનીટ્રેપમાં ફસાવી રૂ.૧૦ લાખની માગણી કરી બળજબરીથી રૂ.૧૧,૫૦૦ની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા નાનાએવા માંડવી ગામમાં સનસનાટી મચી ગઇ છે. પોલીસે બંને મહિલા સહિત છ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંડવી ગામે રહેતા એક પુત્ર અને પાંચ પુત્રીના પિતા લાલજીભાઇ ધરમશીભાઇ ધાનાણી નામના ૬૨ વર્ષના પટેલ વૃધ્ધે તેના જ ગામના ભરત અમુ રબારી અને તેની સાથે સંડોવાયેલી બે મહિલા તેમજ અન્ય ત્રણ અજાણ્યા પુરૂષ સામે બળાત્કારની ફરિયાદમાં ફસાવી સમાજમાં બદનામ કરવાની ધમકી દઇ પાઇપથી માર મારી રૂ.૧૦ લાખ પડાવવાનો કારસો રચી રૂ.૧૧,૫૦૦ની લૂંટ ચલાવ્યા અંગેની ગારીયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લાલજીભાઇ ધાનાણી ગત તા.૨૬ મેના રોજ પોતાના ઘરે હતા ત્યારે એક અજાણી મહિલાએ મોબાઇલમાં વાત કરી પોતે તેઓને ઓળખતી હોવાનું કહી પોતે દામનગર ડો.રાભડાના દવાખાના પાસે હોવાનું કહી તેડવા આવવાનું કહેતા લાલજીભાઇ ધાનાણી અજાણી મહિલાને તેડવા માટે બાઇક પર દામનગર ગયા હતા ત્યારે ત્યાં બે મહિલા તેઓ પાસે આવી હતી અને બાઇક પાછળ બેસી જતા બંને મહિલાને લઇ પોતાની વાડીએ લઇ ગયા હતા.
બંને અજાણી મહિલાઓ સાથે લાલજીભાઇ ધાનાણી વાતચીત કરતા હતા તે દરમિયાન એક બાઇક પર અન્ય એક મહિલા અને પુરૂષ આવ્યા હતા ત્યાર બાદ કાળા કલરની કારમાં અન્ય બે પુરૂષ ત્યાં આવ્યા હતા અને તમો આટલી ઉમરે મહિલાઓ સાથે રંગરેલીયા મનાવો છો કહી ધમકાવી પાઇપથી માર મારી કારમાં બેસાડી પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી દઇ અપહરણ કર્યુ હતું.
લાલજીભાઇ ધાનાણીને કારમાં પણ માર મારતા હતા તે દરમિયાન રસ્તામાં તેના ગામના ભરતભાઇ અમુભાઇ રબારી મળતા કાર ત્યાં ઉભી રાખી ભરતભાઇ રબારીએ સમાધાન કરી જવા દેવા સમજાવ્યું હતું પણ તેઓની માગણી મુજબ રૂ.૧૦ લાખ પોતાની પાસે ન હોવાનું કહેતા ભરતભાઇ રબારી ત્યાંથી જતા રહ્યા હતા.
દરમિયાન કારમાં બેઠેલા બે અજાણ્યા શખ્સો પ્રથમ પોલીસમાં સોપી દેવાની અને ત્યાર બાદ લાલજીભાઇ ધાનાણીને સળગાવી દેવાની ધમકી દેતા તેઓ રૂ.૧૦ લાખ આપવા તૈયાર થયા હતા અને તેઓ ભરતભાઇ રબારીને આપી દેશે તેવુ કહેતા લાલજીભાઇ ધાનાણીને રંઘોળા પાસે છોડી દીધા હતા. લાલજીભાઇ ધાનાણીએ સુરત રહેતા પોતાના પુત્રને સમગ્ર ઘટના અંગે જાણ કરી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. કે.એચ.ચૌધરી સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથધરી છે.