મંત્રી પૂર્વેશ મોદીએ કામની સમીક્ષા હાથ ધરી : કામગીરીને ઝડપી બનાવવા તંત્રની મથામણ :
અબતક, રાજકોટ : રાજકોટ- અમદાવાદ સિક્સ લેન હાઇવેની કામગીરી હાલ ચાલી રહી છે. જેમાં રાજકોટથી બામણબોર સુધીના હાઈવેમાં 5 ફ્લાય ઓવર અને 2 અન્ડર પાસ તથા એક ટોલ પ્લાઝા બનાવવામાં આવનાર છે. આ કામગીરીને વેગ આપવા માટે તંત્ર દ્વારા મથામણ ચાલી રહી છે. મંત્રી પૂર્વેશ મોદીએ પણ આ કામગીરીની સમીક્ષા હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ- અમદાવાદ હાઇવેને રૂ. 3488 કરોડના ખર્ચે સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. આ કામ ઘણા લાંબા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું હોય તંત્રએ કામને વેગ અપાવવા મથામણ શરૂ કરી છે. અગાઉ કોરોનાકાળને લીધે આ કામમાં બ્રેક લાગી હતી. તદ્દઉપરાંત એજન્સીની કામગીરી પણ ગોકળગતિએ ચાલતી હોય અધિકારીઓ દ્વારા ભૂતકાળમાં સરકારને રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ કામગીરીને ફરી ઝડપી બનાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે.
રાજકોટ શહેરથી બામણબોર સુધીના 28. 7 કિમીના સિક્સ લેન રોડના કામગીરી જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. આ માટે ગઈકાલે મંત્રી પૂર્વેશ મોદીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ હાથ ધરી હતી.
આ કામગીરીની વિગતો જાહેર કરતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરથી બામણબોર સુધીના 28.7 કિમિના સિક્સ લેન હાઇવેમાં 5 ઓવર બ્રિજ અને 2 અન્ડર પાસ પણ બનાવવામાં આવશે. આ સાથે એક ટોલ પલઝાનું પણ નિર્માણ કરવામાં આવશે. આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનો મુદ્દો થોડા સમય પૂર્વે જ ઉઠ્યો હતો. આ કામગીરી અગાઉ ડીસેમ્બરમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પણ કામમાં વિલંબ થતા હવે કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મે 2022 સુધીનો રાખવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
કુવાડવા પાસે આઈઓસીના બેરીકેટ હટાવવા પોલીસને સૂચના
કુવાડવા પાસે આઈઓસીનો પ્લાન્ટ આવેલો હોય ત્યાં રોડ ઉપર બેરીકેટ લગાવવામાં આવ્યા છે. આ બેરીકેટના સહારે રોડ ઉપર વાહનો રાખવામાં આવતા હોય, સિક્સ લેન કામગીરીમાં આ બેરીકેટ નડતરરૂપ હોય જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પોલીસ વિભાગને આ બેરીકેટ તુરંત હટાવવાની તાકીદ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ દ્વારા આ બેરીકેટ ટૂંક સમયમાં હટાવવામાં આવનાર છે.