દસ એમ્બ્યુલન્સની મદદથી અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાતા સાત વેન્ટીલેટર પર અને 15ને ઓક્સિજન પર રખાયા
પોલીસ કમિશનર અજય તોમર સચિન જીઆઇડીસી દોડી ગયા: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
અબતક,રાજકોટ
સુરત સચિન જીઆઇજીસી વિસ્તારમાં પાર્ક કરેલા ટેન્કરમાંથી ઝેરી કેમિકલ લિકેજ થતા થયેલી ગુંગળામણના કારણે છ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અને 23 અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ કમિશનર અજય તોમર સહિતના પોલીસ સ્ટાફ સચિન જીઆઇડીસી ખાતે દોડી ગયા હતા. દુર્ઘટના અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દુ:ખ વ્યક્ત કર્યુ છે. જ્યારે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા છે.સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા રાજકમલ ચોકડી પાસેના પ્લોટ નંબર 362 પાસે પાર્ક કરેલા જી.જે.5ઝેડઝેડ. 6221 નંબરના ટેન્કરમાંથી વહેલી સવારે ચાર વાગે ઝેરી કેમિકલ લિકેજ થતા ત્યાં સુતેલા વિશ્ર્વ પ્રેમ મિલના કારીગર અને શ્રમિકોમાં ગુગળામણ થઇ હતી. ગુગળામણના કારણે છ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. 23 જેટલા શ્રમજીવીઓને 10 જેટલી એમ્બ્યુલશની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.દુર્ધટનાના પગલે વહેલી સવારે સચિન જીઆઇડીસી વિસ્તાર 108 અને ફાયર બ્રિગેડના સાયરનથી ગુંજી ઉઠયો હતો. કેમિકલની એટલી તિવ્રતા હતી કે બીજા માળે સુતેલી વ્યક્તિઓને પણ શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ હતી. શ્ર્વાસ રૂંધાતા તેઓને પણ સારવાર આપવી પડી હતી.કેમિકલની ઝેરી અસરના કારણે ગુંગળાયેલા શ્રમિકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અને આજુબાજુની હોસ્પિટલોમાં ખસેડાયા ત્યારે સ્ટાફને તહેનાત કરવામાં આવ્યો હતો. તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જેમાં સાત વ્યક્તિઓને વેન્ટીલેટર પર અને 15 વ્યક્તિઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.
દુર્ધટના અંગે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે અંગે તાકીદ કરી આ દુર્ધટના અંગે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઘટનાને દુ:ખ ગણાવી જવાબદાર સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સચિન જીઆઇડીસી ખાતે દોડી ગયા હતા અને પોલીસની અલગ અલગ ટીમ બનાવી દુર્ઘટના કંઇ રીતે સર્જાય અને કોની બેદરકારી છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી છે. ટેન્કરમાં ઝેરી કેમિકલ કયાંથી ભરવામાં આવ્યું અને કંઇ રીતે કેમિકલનો નિકાલ કરવામાં આવતો તે અંગેની વિગતો ટેન્કરનો ચાલક ભાનમાં આવ્યા બાદ વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ હાથધરી છે. ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે.