કોરોનાના કહેરથી તમામ જિલ્લાઓ તેમજ મહાપાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટિમો એલર્ટ મોડ ઉપર : ૧૪૭ જેટલા લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ જણાતા તેઓને ઓબ્ઝર્વેશનમાંથી હટાવાયા
કોરોના વાયરસના કહેર વચ્ચે ચીનથી પરત ફરેલા ૬૨૨ જેટલા ગુજરાતીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. વધૂમા જાહેર કરાયુ છે કે ૧૪૭ જેટલા લોકો સંપૂર્ણ સુરક્ષિત જણાતા તેઓને ઓબ્ઝર્વેશનમાંથી હટાવી દેવામાં આવ્યા છે. હાલ કોરોનાની ગંભીરતાને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગની ટિમ ખડેપગે રહી છે.
ચીનમાં કોરોના વાયરસે કરેલા પગપેસરાથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ધીમે ધીમે આ વાયરસ અન્ય દેશોમાં પણ દેખાય દઈ રહ્યો છે. ત્યારે દેશના તમામ રાજ્યો એલર્ટ મોડ ઉપર આવી ગયા છે અને પોતાના રાજ્યમાં કોરોના વાયરસ ન પ્રવેશે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ૭૬૯ જેટલા ગુજરાતી લોકો ચીનથી પોતાના વતન ગુજરાતમાં પહોંચી ચુક્યા છે. જેમાં ૧૪૭ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાથી તેઓને ઓબ્ઝર્વેશનમાંથી હટાવી લેવામાં આવ્યા છે. જ્યારે ૬૨૨ લોકો હાલ ઓબ્ઝર્વેશનમાં છે.
આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદમાં ૧૭, અમરેલીમાં ૩, આણંદમાં ૬, અરવલ્લીમાં ૧૨, બનાસકાંઠામાં ૪૨, ભરૂચમાં ૧૭, ભાવનગરમાં ૬, બોટાદમાં ૧૦, છોટા ઉદેપુરમાં ૪, દાહોદમાં ૫, દેવભુમી દ્વારકામાં ૩, ગાંધીનગરમાં ૧૫, ગિરસોમનાથમાં ૬, જામનગરમાં ૬, જૂનાગઢમાં ૫, ખેડામાં ૧૭, માહિસાગરમાં ૯, મહેસાણામાં ૨૪, મોરબીમાં ૧૪, નવસારીમાં ૧૫, પંચમહાલમાં ૧૨, પાટણમાં ૨, પોરબંદરમાં ૩, રાજકોટમાં ૧૨, સાબરકાંઠામાં ૨૨, સુરતમાં ૧૨, સુરેન્દ્રનગરમાં ૧૦, વડોદરામાં ૧૯, વલસાડમાં ૯, અમદાવાદ મહાપાલિકામાં ૧૯૫, વડોદરા મહાપાલિકામાં ૧૨, જામનગર મહાપાલિકામાં ૩, જૂનાગઢ મહાપાલિકામાં ૪, રાજકોટ મહાપાલિકામાં ૪૭, ગાંધીનગર મહાપાલિકામાં ૧૫ અને સુરત મહાપાલિકામાં ૯ મળી કુલ ૬૨૨ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.