તત્કાલિન પીઆઇ પઢીયાર અને જીઆરડી જવાનની ધરપકડ બાદ બંનેને જેલ હવાલે કરાયા: ચારણ સમાજે ગુરૂવારની સભા સહિતના કાર્યક્રમો મોકુફ રાખ્યા
મુન્દ્ર પોલીસ મથકમાં થયેલા કસ્ટોડિયન ડેથ પ્રકરણમાં ત્રણ પોલીસમેન સામે ગુનો નોંધી જવાબદારોને છાવરવામાં આવ્યાના આક્ષેપ સાથે ચારણ સમાજ રોષે ભરાતા સમાઘોઘાના પૂર્વ સરપંચ અને તત્કાલિન પીઆઇ સહિત વધુ છ સામે હત્યાનો ગુનો નોંધી પી.આઇ અને જીઆરડી જવાનની ધરપકડ કરી છે. અને પૂર્વ સરપંચ સહિત છને ભાગેડુ જાહેર કરવામાં આવતા ચારણ સમાજ દ્વારા ગુરૂવારે સભાનું કરેલુ આયોજન મોકુફ રાખ્યું છે.
મુન્દ્રા પોલીસ સ્ટાફે એકાદ માસ પહેલાં ચોરીની શંકા સાથે સમાઘોઘાના ગઢવી યુવાનની અટકાયત કરી થર્ડ ડીગ્રીથી પૂછપરછ કરી માર મારતા ગઢવી યુવાનનું મોત નીપજતા ગઢવી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને ઉગ્ર રજૂઆતના અંગે માત્ર ત્રણ પોલીસમેનની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો અને પી.આઇ. સહિતના સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગઢવી યુવાનની હત્યાના ગુનામાં તત્કાલિન પી.આઇ. જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢીયાર સહિતના પોલીસ સ્ટાફ તેમજ સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાની સંડોવણી હોવાના ગઢવી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને ગુરૂવારે ચારણ સમાજની સભાનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કસ્ટોડિયન ડેથ પ્રકરણની તપાસ કરતા ડીવાય.એસ.પી. પંચાલ સહિતના સ્ટાફે પી.આઇ. પઢીયાર અને જીઆરડી જવાન વિરલ ઉર્ફે મહારાજ જીતેન્દ્ર જોષીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છ.
જ્યારે હત્યાના ગુનામાં શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલાલ, અશોક કન્નડ, કપિલ દેસાઇ, ગફુજી ઠાકોર અને સમાઘોઘાના સરપંચ જયવીરસિંહ જાડેજાને ભાગેડુ જાહેર કર્યા છે.
પોલીસ કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કરી ચારણ સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવીએ ગુરૂવારે યોજાનાર સભા મોકુફ રાખવાની જાહેરાત કરવાની સાથે સમાજે સયંમ રાખવા અપીલ કરી છે.