ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના ૬ સભ્યો ભાજપામાં જોડાયા હતા. સૌરભભાઇ પટેલે ભાજપાનો કેસરીયો ખેસ પહેરાવીને તેમને ભાજપામાં વિધિવત રીતે આવકાર્યા હતા.
આ પ્રસંગે સૌરભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપા શાસિત બોટાદ નગરપાલિકામાં કુલ ૪૪ બેઠકો છે, જે અંતર્ગત હાલ ભાજપાના ૨૭ સભ્યો તથા કોંગ્રેસના ૧૭ સભ્યો છે, જેમાંથી કોંગ્રેસના ૬ સભ્યો ભાજપામાં જોડાયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની કુશળ સંગઠનશક્તિ તથા ભાજપાની રાષ્ટ્રપ્રથમની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસકાર્યોથી પ્રભાવિત થઇ બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના ૧૭ સભ્યોમાંથી ૬ સભ્યોએ આજે ભાજપાનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.
બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના ૬ સભ્યો જેમાભઇ બચુભાઇ ગોવિંદીયા (વોર્ડ નં.૪), નીતાબેન નરેશભાઇ પનારા (વોર્ડ નં.૪), મેઘજીભાઇ તલસાલીયા (વોર્ડ નં.૧૦), જસુબેન મનુભાઇ મેખીયા(વોર્ડ નં.૧૦), શ્રીમતી રંજનબેન વાટુકિયા(વોર્ડ નં.૧૧) તથા હંસાબેન કાનજીભાઇ શાકરીયા (વોર્ડ નં.૯)એ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની જનકલ્યાણકારી તથા વિકાસલક્ષી રાજનીતિ, ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીનું કુશળ નેતૃત્વ તથા ભાજપાની સૌના સાથ સૌના વિકાસ વિચારધારા સાથે જોડાઇ અવિરતપણે ચાલતી ભાજપાની વિકાસયાત્રામાં સહભાગી બની બોટાદના વિકાસ કાર્યોને આગળ ધપાવશે.
આ પ્રસંગે બોટાદ શહેર ભાજપા પ્રમુખ ભીખુભા વાઘેલા, બોટાદ જીલ્લા ભાજપા ઉપપ્રમુખ ગણપતભાઇ કણજરીયા, બોટાદ નગરપાલિકા પ્રમુખ જેસંગભાઇ લકુમ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.