કુવાડવા બુટલેગરો માટે મોકળુ મેદાન કે પોલીસ માટે માથાનો દુ:ખાવો?
કુવાડવાના સીમ વિસ્તારમાં બુટલેગરનો વિદેશી દારૂનું કટીંગ કરવા સહિતની સગવડ મળતા એપી સેન્ટર બન્યું
શહેરની ભાગોળે આવેલા કુવાડવા અને આજુબાજુનો ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો માટે વિદેશી દારુના કટીંગ માટે એપી સેન્ટર બન્યું હોય તેમ ગઇકાલે તરઘડીયા અને બેટી રામપર ખાતે ક્રાઇમ બ્રાન્ચ અને કુવાડવા પોલીસે વિદેશી દારૂ અંગે દરોડા પાડી રૂા ૨૦ લાખની કિંમતની ૬૨૭૬ બોટલ વિદેશી દારુ સાથે ચાર રાજસ્થાની શખ્સોને ઝડપી લીધા છે.
કુવાડવા અને આજુબાજુમાં આવેલા બામણબોર, સોખડા, ખેરવા, જીઆઇડીસી સહીતના વિસ્તારોમાં વિદેશી દારુ છુપાવયો અને હેરાફેરી માટે બુટલેગરોને પ્રાથમીક સગવડ સાથે શ્રમજીવીઓની સુવિધા મળતી હોવાથી વિદેશી દારુ કુવાડવા વિસ્તારમાંથી વધુ પકડાઇ રહ્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે. શહેરના મોટા ગજજાના ગણાતા બુટલેગર પણ કુવાડવા પંથકનો હોવાથી પોતાના સગા સંબંધીઓ અને પરિચિતોની મદદથી કુવાડવા વિસ્તારમાં વિદેશી દારૂ છુપાવવામાં સફળ રહે છે. જયારે બીજી તરફ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશથી સપ્લાય થતા વિદેશી દારૂ કુવાડવા સુધી લાવવા સરળ હોવાથી કુવાડવા પંથક વિદેશી દારુ માટે એપી સેન્ટર બનતા પોલીસ માટે આ વિસ્તાર માથાનો દુખાવો બની ગયો છે.
કુવાડવા નજીક આવેલા તરઘડીયા ગામના પાટીયા પાસેથી એમએચ ૦૪ ૩૬૬૪ નંબર ના આઇસર ટ્રકમાં વિદેશી દારુ સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધો છે. પૂર્વ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી. જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ. ગઢવી, પીએસઆઇ એસ.વી. પટેલ, એએસઆઇ જયેશભાઇ શુકલા, હેડ કોન્સ. જયેશભાઇ નિમાવત, કોન્સ્ટેબલ વિક્રમભાઇ લોખીલ, અમિનભાઇ ભલુર, જીજ્ઞેશભાઇ મારુ અને હિતેન્દ્રસિંહ પરમાર સહીતના સ્ટાફે તરઘડીયા ગામના પાટીયા પાસે વિદેશી દારૂ અંગે દરોડો પાડી રૂા ૧૭,૨૦,૮૦૦ ની કિંમતની ૫૭૩૬ પાર્ટી સ્પેશિયલ ડીલકક્ષ વિસ્કી બ્રાન્ડની વિદેશી દારુની બોટલ સાથે રાજસ્થાનના બાડમેર જીલ્લાના તલા (બીલસર) ના લાલારામ આઇદાનરામ જાટ અને બાડમેરના સેડવા તાલુકાના બાધા ગામના રમેશ મંગલારામ ચૌધરી નામના શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસે બાલારામ ચૌધરી અને રમેશ ચૌધરી પાસેથી રૂા ૧૭.૨૦ લાખની કિંમતની ૫૭૩૬ બોટલ વિદેશી દારૂ રૂા ૯ લાખની કિંમતનો એચએમ ૦૪જે કે ૩૬૬૪ નંબરનો આઇસર ટ્રક અને રૂા ૧૪ હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા ૨૬.૩૪ લાખનો મુદામાલ કબ્જે કરી બન્ને શખ્સો વિદેશી દારુ કયાંથી લાવ્યા અને રાજકોટમાં કોને સપ્લાય કરવાના હતા તે અંગેની પુછપરછ માટે બન્નેને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
જયારે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે બેટી રામપર ખાતે વિદેશી દારૂ અંગે દરોડો પાડી રૂા ૨.૩૫ લાખની કિંમતની ૫૪૦ બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના ઉદયપુર જીલ્લાના માલવી નજીક આવેલા પલાણા કલા ગામના કિશનલાલ ઉર્ફે સોનું પ્યારચંદ મેધવાડ અને સુંવરવાસ પ્રતાપનગરના સોનુ હિરાલાલ મેધવાડ નામના શખ્સોએ ઝડપી લીધા છે.
કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એમ.સી.વાળા, પીએસઆઇ બી.પી. મેધલાતર, હેડ કોન્સ. જગમાલભાઇ ખટાણા, કોન્સ. મનીષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, નીલેશભાઇ વાવેચા, જયંતિભાઇ વાવડીયા, રઘુવીર ઇસરાણી અને શૈલેશગીરી ગોસ્વામી સહીતના સ્ટાફે બેટી રામપર ખાતેથી આરજે ૨૭ જીસી ૮૭૫૦ નંબરના બોલેરો પીક અપને રૂા ૨.૩૮ લાખની કિંમતની ૫૪૦ બોટલ વિદેશી દારુ સાથે પકડી કિશનલાલ મેધવાડ અને સોનુ મેધવાડની ધરપકડ કરી છે. બન્ને શખ્સોએ બોલેરો પીક-અપમાં લોખંડના સાત પીપમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો. પોલીસે બન્ને શખ્સો પાસેથી વિદેશી દારૂ અને બોલેરો પીકઅપ મળી રૂા ૭.૫૧ લાખનો મુદામાલ કબ્જે કરી બન્ને શખ્સોને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં દારૂ આવતો અટકાવવા શું?:કુવાડવામાં છાવણી બનાવવી પડશે?
કુવાડવા વિસ્તારમાંથી નિયમિત રીતે લાખોની કિંમતના વિદેશી દારૂ પોલીસ પકડી રહી છે ત્યારે શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ કુવાડવા પંથક જ દારૂ માટે બુટલેગરોને મોકળુ મેદાન બનતા પોલીસ માટે આ વિસ્તાર માથાનો દુખાવો બની જતા રાજકોટમાં દારૂ આવતો અટકાવવા માટે કુવાડવા વિસ્તારમાં છાવણી બનાવવી પડે તેવી સ્થિતિ બની છે.
રાજયના એન્ટ્રી પોઇન્ટ પરથી ચેક-પોસ્ટ હટાવાતા દારુના ધંધાર્થીઓને ગુજરાતમાં દારુ લાવવાનું સરળ બની ગયું છે. ત્યારે કુવાડવા પંથક દારુ માટે બનેલા એપી સેન્ટરના કારણે પોલીસ છાવણી જ બનાવી વાહન ચેકીંગ કરવામાં આવે તો રાજકોટમાં વિદેશી દારૂ લાવવા બુટલેગરો માટે મુશ્કેલ બની શકે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.