૧પમી ડીસેમ્બરે રાજકોટથી રવાના થઇ ૧૮મીએ પહોંચશે: સાયકલ યાત્રિકો માટે રસ્તામાં ઠેર ઠેર સ્વાગતની તૈયારીઓ
કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયાનો લક્ષચંડી મહાયજ્ઞ આગામી તા.૧૮ થી રર ડીસેમ્બર દરમિયાન ઉંઝા ખાતે યોજાઇ રહ્યો છે. તેને અનુલક્ષી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉમિયા માતાજીના સંતાનો એવા કડક પાટીદાર સમાજમાં ભારે ઉમંગ સાથે આયોજન પણ થઇ રહ્યા છે. રાજકોટ સ્થિત ઉમીયાજી યાત્રા સંઘ દ્વારા આ પ્રસંગે રાજકોટથી ઉંઝાની સાયકલ યાત્રાનું પણ શ્રઘ્ધાપૂર્ણ આયોજન કરાયું છે. આ માટે એક સમીતીની પણ રચના કરવામાં આવી છે. ઉમિયાજી યાત્રા સંઘની આયોજત સમિતિના ક્ધવીનર ભાણજીભાઇ સંતોકીના જણાવ્યા અનુસાર આશરે ૧૦ વર્ષ પછી રાજકોટથી ઉંઝાની સાયકલ યાત્રા યોજાઇ રહી હોય ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, તા.૧પમી ડીસેમ્બરે આ સાયકલ યાત્રાનો પ્રારંભ થશે. તમામ યાત્રિકોને પ્રસ્થાન કરાવવા માટેનો ખાસ કાર્યક્રમ પણ યોજાયો છે. તા.૧પમીએ સવારે પ્રસ્થાન કરી ત્રણ દિવસની યાત્રા દરમિયાન લગભગ ૩રપ કી.મી. ની સાયકલ યાત્રા કરી તા.૧૮મી ડીસેમ્બરના સવારે મા ઉમિયાના આ સંતાનો ઉંઝા પહોચશે રસ્તામાં ત્રણ રાતના વિરામની પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ રાત્રી મુળી, બીજી રાત્રી માલવણ તથા ત્રીજી રાત્રી મહેસાણા ફતેપુરા ખાતે વિરામની વ્યવસ્થા કરવામાં આવી છે.
યાત્રા દરમ્યાન તબીબી તથા અન્ય સુવિધા સાથેનું એક ખાસ વાહન પણ યાત્રિકો સાથે જ રહેશે. તા.૧૮મીએ આ યાત્રિકો ઉંઝા પહોચે ત્યારે તેમના શાનદાર સ્વાગતની પણ વ્યવસ્થા લક્ષચંદી ના આયોજન સમીતી દ્વારા કરવામાં આવશે. સમગ્ર યાત્રા પૂર્ણ શ્રઘ્ધા સાથે પાર પડે તે માટે આયોજન સમીતીના ભાણજીભાઇ સંતોકી ઉપરાંત શાંતિભાઇ ઝાલાવડીયા, જગદીશભાઇ વસાણીયા, રાજુભાઇ જીવાણી અને વિમલભાઇ ભુત જહેમત ઉઠાવી રહ્યાં છે. ભાણજીભાઇએ જણાવ્યું હતું જે શ્રઘ્ધાળુઓ આ યાત્રામાં જોડાવવા ઇચ્છતા હોય કે જે કોઇ આર્થિક સહયોગ આપવા ઇચ્છતા હોય તેમણે મો. ૯૨૬૫૦ ૯૬૨૯૨, ૯૪૬૭૮ ૮૫૮૦૯, ૯૪૨૬૪ ૭૦૮૭૬ અને ૯૫૧૦૪ ૪૭૭૬૦ નો સંપર્ક કરવો. સાયકલ યાત્રામાં જોડાવવા ઇચ્છુકો આ માટેનું જરુરી ફોર્મ ઉમા મંડપ સર્વીસ ઉમીયા ચોક, શીતલ ટ્રાવેલ્સ પંચાયત ચોક,શ્રી રામ હાડવેર, કુવાડવા રોડ ખાતેથી મેળવી શકશે.