રાજકોટમાંથી ત્રણ વર્ષમાં ૧૬ વાહન ચોર્યાની કબુલાત આપી
અમરેલી, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી આતંક મચાવનાર બાઇક ચોર ટોળકીને અમરેલી એલસીબીની ટીમે ઝડપી લીધી છે. આરોપીઓ પાસેથી સૌરાષ્ટ્રની પ૧ વાહન ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા ૩૧ ચોરાઉ બાઇક સહીત ૧ર લાખ પ૦ હજારનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
લાઠી તાલુકાના સરકારીપીપળવા ગામે સીમમાં આવેલી વાડીમાં કેટલાક શખ્સો પડયા રહીને મોટર સાઇકલની ચોરી કરતા હોવાની બાતમીના આધારે અમરેલી ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા માત્ર અમરેલી જ નહીં પણ રાજકોટ અને બોટાદ જીલ્લામાં લાંબા સમયથી તરખાટ મચાવતી બાઇક ચોર ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે ઘનશ્યામ ચૌહાણ (સરકારી પીપળીયા, લાઠી) નિલેશ વાઘેલા (મુળ બોટાદ, હાલ રાજકોટ) તથા બોટાદના તબરેજ કારીયાણી, અતુલ રાઠોડ, કિશન હિરપરા અને પાર્થ જાંબુકિયાની ધરપકડ કરી તેમની પાસેથી રૂ ૧૨.૫૦ લાખના ૩૧ ચોરાઉ બાઇક કબ્જે કર્યા હતા.
આ ટોળકી છેલ્લા ત્રણ વર્ષથી જાહેર સ્થળોએ પાર્ક થયેલા બાઇક ચોરી કરતા હતા અને પછી તેની ડુપ્લીકેટ આરસી બુક બનાવી લેતા હતા. આ આરસી બુકના આધારે વાહનોને ઉંચી રકમે વેચી કમાણી કરતા હતા.