ધ્રાગંધ્રા તાલુકાના નારીયાણામાં રેતીચોરી અંગેની વિગતો મળતા ખાણ ખનીજની ટીમે શૂક્રવારે બપોરે ડ્રોન ઉડાડી રેતીચોરી કેમેરામાં કેદ કરી ઝડપી લીધી હતી. જેમાં એક લોડર,2 વોશ પ્લાન્ટ સહિત રૂ,૬.૨૫ લાખનો મુદ્દામલ જપ્ત કરી ૩ શખ્સો સામે ફરિયાદ નોધવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
ધ્રાગંધ્રા પંથકમાથી પસાર થતી ઉમિયા નદીના કિનારે આવતા ગામોમાં બેફામ રેતીચોરી થતી હોવાની વિગતો ખાણ ખનીજ અધિકારી વિજય સુમેરાને મળી હતી. આથી શુક્રવારે બપોરે કિરણભાઈ પરમાર સહિતની ટીમે ધ્રાગંધ્રા તાલુકા પોલીસને સાથે રાખી નારીયાણા ગામ પાસે પસાર થતી ઉમિયા નદી પર ડ્રોન ઉડાડયું હતું. જેમાં નદી કાંઠે બે ધમધમતા વોશ પ્લાન્ટ નજરે પડતાં જ ટિમ ત્રાટકી હતી.
આ સ્થળેથી રૂ. ૫ લાખની કિમતનું લોડર ઝડપાયું હતું. તેના ચાલક નારીયાણાંના ભરતભાઇ અને માલિક વેલભાઈ ભરવાડ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વોશ પ્લાન્ટ વાલૂભાઇ રામભાઇની માલિકીની જમીનમાં ધમધમતો હોવાનું ખૂલ્યું હતું. આથી ટીમે એક લોડર, ૨ વોશ પ્લાન્ટ અને ૧૦૦ ટન રેતીનો જથ્થો સહિત રૂ, ૬.૨૫ લાખનો મુદ્દામલ જપ્ત કર્યો હતો. ત્રણેય શખ્સો સામે ધ્રાગંધ્રા પોલિસ મથકે રેતીચોરીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગે હાથ ઘરી છે.