જીવનનાં તમામ તબક્કે થતાં પ્રથમ અનુભવ કાયમી સંભારણુ બની રહે છે. સમજણ આવે એટલે પારિવારિક અનુભવ અને આસપાસના શેરી-મહોલ્લા કે પાડોશીનો અનુભવ આપણને થાય છે. નાના બાળકોને તેમના જેવડા બાળકો સાથે જ રમવું-ફરવું કે કુદવું ગમે છે. નાના બાળકોને તેમની જેવડા બાળકો સાથે જમવા બેસાડો તો તેમને ખ્યાલ આવે કે ન ખાતો બાળક પણ ફટાફટ જમવા લાગે છે. બાળપણમાં એકબીજાને જોઇને ઘણું શીખે છે. જેમ-જેમ સમજ વધે તેમ-તેમ તેને થતાં વિવિધ અનુભવમાંથી તે ઘણું શીખે છે. જેમ-જેમ સમજ વધે તેમતેમ તેને થતાં વિવિધ અનુભવમાંથી તે ઘણું શીખે છે. ‘બચપન કે દિન ભુલા ન દેના’ જેવા સદાબહાર જુના ગીતોની આપણે કે કોઇપણ બાળપણનાં દિવસો ક્યારે ભૂલી શકતા નથી.
બાલમંદિર-પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક-હાઇસ્કૂલ-હાયર સેકન્ડરી અને કોલેજના શિક્ષણમાં શાળા-કોલેજો બદલાય પણ પ્રારંભની શાળાનાં દિવસો ક્યારેય ન વિસરાય: પ્રાથમિક શાળાના જ મિત્રો જીવનભર આપણને યાદ રહે છે: જુની શાળાના જુના દિવસો સોના જેવા શુધ્ધ હતા.
પહેલા તો પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારે નવા ઉઘડતા શૈક્ષણીક સત્રમાં સરકારી શાળામાં જન્મનો દાખલો લઇને પ્રવેશ લઇ લેવાતો. બધુ જ મફ્ત હતું. જન્મ તારીખનો દાખલો ન હોય તો મોઢે યાદ હોય તે અથવા ગુજરાતી મહિનાઓ ઉપરથી ‘માસ્તર’ જન્મ તારીખ બનાવી દેતા હતાં. પડો-નાળિયેર લઇને મા-બાપ શાળાએ મુકવા આવતાને શિક્ષકને ભલામણ કરતા કે તોફાન કરે તો શિક્ષા કરજો. આટલા કાર્યો બાદ શાળાનો પ્રથમ દિવસ આરંભ થતો સૌના વર્ગમાં થોડા નવા-જુના વિદ્યાર્થીઓના સમુહ હોય જો કે શેરીમાંથી બધા છોકરાવ પણ ત્યાં જ ભણવા આવતા હોવાથી તેમનો સહયોગ મળી રહેતો હતો. પ્રાર્થના સમુહમાં સૌ સાથે જ કરતાં ને મોટા સાહેબ બધા વિદ્યાર્થીને સમજાવતા એ જમાનામાં પણ શિક્ષકો નાના બાળકોનું મોટા છોકરાવે ધ્યાન રાખવાની વાત કરતાં હતાં.
પ્રાર્થના બાદ સૌ-સૌ વિદ્યાર્થીઓ ધોરણ વાઇઝ પોતાના વર્ગમાં જતા હતાને ‘શિક્ષણ યાત્રા’ શરૂ થઇ જતી એ જમાનામાં દફ્તરનો કે ભણતરનો ભાર જ ન હતો. બધા જ વિદ્યાર્થીઓ પાસ થઇ જતાં, નાપાસ કરવાનો નિયમ જ ન હતો. શાળાએ રેગ્યુલર આવતો છાત્ર 100 ટકા પાસ જ થઇ જતો હતો. મોટા ધોરણની પેપરમાં પરિક્ષા લેવાતી હતી. પ્રથમ દિવસની અડધી કલાકની રિસેશની મજા કંઇક ઔર જ હતી. નાના-મોટા તમામ છાત્રો ભેગા થઇને ધીંગામસ્તી કરતાં હતાં. ‘લંચબોક્સ’નું અસ્તિત્વ જ ન હતું. શાળા ગ્રાઉન્ડમાં જ રમતાને શાળાના ઝાડ ઉપર પણ ચડતાને મઝા-મઝા કરતાં હતાં.
સાંજે 4 વાગે એટલે કલમ-ખડીયો 1 થી 100 કે 1 થી 10 કે 11 થી 20 જેવા વિવિધ ઘડિયા સમુહમાં શિક્ષક બોલાવતા હતા જેથી એક સરખી લય-તાલને કારણે તરત જ યાદ રહી જતું. એ જમાનામાં દ્રઢિકરણનું મહત્વ વધારે હતું. નાના ધોરણમાં નોટ હતી જ નહીં ઠીકરાની જ રોયા વાળી પાટીને પેન એટલે શૈક્ષણિક સાહિત્ય, થેલી કે પતરાની પેટીમાં પાણી પોતું-પેન-આંકની ચોપડી એટલે ભણતરનો તમામ સામાન આવી જતો હતો. પ્રથમ દિવસે જ ડંકાના અવાજ સાથે નવા-નવા મિત્રો શિક્ષકોની વાત તથા રિસેષ છૂટવાનો ઘંટારવ જીવનનાં ઘણા પાઠ શિખવી જતા હતાં. પ્રથમ દિવસથી જ શિસ્તના પાઠ ભણવા મળતાને વિવિધ ગુણો સાથેની સમજ પણ મળી જતી હતી. હાથ ઉંચો કરીને ‘ટીચર’ની રજા માંગવાની રસમ તો શીખવી જ પડતી અન્યથા ફૂટપટ્ટીનો માર સહન કરવો પડતો.
પ્રાથમિક શાળાનું પાયાનું શિક્ષણ કથીજ્ઞ શરૂ થતાં 1 થી 10ને 100 સુધી લઇ જતું સાથે બુનિયાદી પાયો પાકો કરવા સાદા શબ્દો-કાનાવાળા શબ્દો સાથે જોડ્યા શબ્દો ટીચર બોલાવે ત્યારે એલર્ટ રહીને જવાબો આપવા પડતાં હતાં. એ જમાનામાં મોબાઇલ-ટીવી-જેવું કાંઇ ન હોવાથી ‘ભણતર’ એક જ કામ કરવાનું હતું. ખાવો-પીવોને રાત્રે વહેલા સુઇને સવારે વ્હેલા ઉઠતા બાળકો ટ્રેસ વગર ભણતર સાથે ગણતર શીખતા હતા, એટલે જ આ દિવસો ક્યારેય ભૂલાતા નથી.
શાળાએ પગપાળા જતા આ વાત આજના છાત્રોને નવાઇ ભરી લાગે છે. એ જમાનામાં સ્કૂલ બેગ-સ્કૂલ બસ-કંપાસ બોક્સ-લંચ બોક્સ જેવા શબ્દો હતા જ નહીં. આજે બધુ જ છે છતાં એ ભણતરની તોલે કોઇ ન આવે એટલે જીવનભર આ દિવસો યાદ રહે છે. જુના-જુલાઇને ઓગષ્ટમાં આવતાં સાતમ-આઠમનો મેળો તો મોજ કરાવી દેતો. મેળામાંથી લીધેલ રમકડાં સંતાડીને થેલીમાં નિશાળે લઇ જતાં હતાં. દફ્તરમાંથી વસ્તુઓ ચોરાઇ જવાની બહુ બીક લાગતી હતી. કેટલાંય આવા અનુભવો થયાં હશે. ચોમાસાના ફૂલ વરસાદે મા-બાપ કે મોટાભાઇ-બેન શાળાએ છત્રી લઇને તેડવા આવતા હતાં. શિક્ષકો પણ બધા બાળકોને તેડી જાય પછી જ શાળા છોડતાં એવી ચિવટવાળા હતાં.
શિયાળામાં વર્ગમાં આસનીયા પાથરીને બેસવાની વ્યવસ્થા દરેક વર્ગમાં મોટા સાહેબને શિક્ષકો કરતાં હતાં. એદિવસોની બાલસભા શનિવારે થતી જેમાં બાળગીતો-વાર્તા-નાટકો સાથે મનોરંજક કાર્યક્રમો બાળકોને શિક્ષકો સાથે મળીને કરતાં હતાં. ધોરણ વાઇઝ આવતી કવિતાને મીઠા-મધુરા બાળગીતો ગાયને શેર લોહી ચડી જાતું હતું. શાળા છૂટતી વખતે બાળકોના અવાજો-ચિચિયારીથી આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠતું હતું ત્યારે બધા જ મધ્યમ વર્ગના હતા, ખાનગી શાળા હતી જ નહીંને શિક્ષકો પણ ચાલીને કે સાયકલ લઇને આવતા હતાં. આ બધી વાતો હમણાં એટલે ચાર દાયકા પહેલાની જ છે.
એ પ્રારંભના શાળાના દિવસો યાદો આજે પણ યાદ કરીએ ત્યારે ‘કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન’ ફિલ્મગીત યાદ આવી જાય છે. ત્યારે શિક્ષકો શિક્ષણ સાથે સંગીત-ચિત્ર-રમતગમતને પણ એટલું જ મહત્વ આપતાં ને સાંજે 4 વાગ્યા પછીતો દરરોજ આવુ જ આયોજન કરીને બાળકોને તરોતાજા કરી દેતા હતાં. સરવાળા-ગુણાકાર-બાદબાકીને ભણાકાર પણ મારીને બધાને શીખડાવી દેતા હતાં. ઘડિયા કે પાળા મોટે આવડતા હોવાથી ગુણાકાર-ભાગાકાર ઝડપથી આવડતા હતાં. પરિક્ષામાં પુંઠામાંથી ઘેરથી ‘ઘર’ બનાવવાનું સાહેબ કહેતા હતાં. શિયાળો-ઉનાળો-ચોમાસું ત્રણે ઋતુનો આનંદ સાથે તણાવમુક્ત શિક્ષણ જીવનનું તમામ જ્ઞાન સમજાવી જાતું એવી શાળાઓ હતી. શાળામાં કાગળ કટીંગ-જાદુગર વિગેરે સાથેના કાર્યક્રમો થતાં તો ઇન્સપેક્શન વખતે નવા-નવા કપડાં પહેરીને ડાયા ડમરા થઇ જતાં હતાં.
“વો કાગઝ કી કસ્તી…. વો બારીશ કા પાની” મુઝકો લૌટા દો…..બચપન કા સાવન…