મુખ્યમંત્રી અમદાવાદમાં જીતોના નવનિયુક્ત પ્રમુખ અને વ્યવસપકગણની શપવિધિના સાક્ષી બન્યાં
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, હોદ્દો અને જવાબદારીમાં તફાવત હોય છે હોદ્દો સ્વીકારનાર પ્રતિષ્ઠા ઝંખે છે જ્યારે જવાબદારી સ્વીકારનાર વ્યક્તિ સેવાની તક શોધે છે.
જૈન આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોની શપથવિધિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સાંપ્રત સમયમાં વ્યક્તિ પૈસા અને પ્રતિષ્ઠાના સુખ પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે. ઘણીવાર ધનસંપન્ન થયા બાદ વ્યક્તિમાં માન-પ્રતિષ્ઠાની ઘેલછા ઉત્પન્ન થતી હોય છે પરંતુ એક સાચો સમાજસેવક સમાજસેવી, સંગઠન હોદ્દેદાર પોતાને મળેલ પદવીને ઉત્તરદાયિત્વ સમજી પોતાને મળેલ પ્રતિષ્ઠાને પરીક્ષા સમજી સમાજ સેવાના કાર્યમાં જાતને ખપાવી દેતો હોય છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘જીતો’ જેવા સામાજિક- વ્યાપારિક સંગઠનો સમાજ સેવામાંના કાર્યમાં કૌશલ્ય વર્ધન, શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન જેવા આયામો જોડી આગળ આવે તે અપેક્ષિત છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ‘જીતો’ના નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે પદ મળતાં ખુરશી પર બેસવું પણ ખુરશીને આપણા પર બેસવા દેવી નહીં. મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત હોદ્દેદારોને રાષ્ટ્રીય ઉત્કર્ષમાં સતત પ્રયત્નશીલ રહેવા પણ અપીલ કરી હતી. આ વેળાએ જૈન આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠનના હોદ્દેદારો, જૈન સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ તથા જૈન સમાજના ભાવિક શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.