ઉગમધામ બાંદરા ખાતે નિર્વાણ તિથિ ઉત્સવમાં મુખ્યમંત્રી સહભાગી થયા
ગોંડલ તાલુકાના પ્રખ્યાત તીર્થધામ બાંદરા ખાતે સંત ઉગારામ દાદા અને પૂજ્ય માતુશ્રી સોનલમાના નિર્વાણ દિન નિમિત્તે આજેનિર્વાણ તિથિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌને ઉગાબાપા જેવા સંતોના જીવન અનેસંતવાણીમાંથી પ્રેરણા ગ્રહણ કરીને, સન્માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો હતો.
સરળ સંતવાણીમાં આધ્યાત્મિક સંદેશ વણીને લોકોને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપનારા સંત ઉગારામ બાપાના ધામ “ઉગમ ધામ” ખાતે આજે ઉત્સવનો માહોલ હતો. નિર્વાણ તિથિ ઉત્સવ નિમિત્તે અહીં વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજ્જારો લોકો ઉમટ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પૂજ્ય ઉગારામ બાપાના સમાધિ સ્થળે શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
વિશેષ સભામાં ઉગમધામના સંત મહામંડલેશ્ચર ગોરધન બાપા, જેન્તી બાપા તેમજ રશ્મિન બાપાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ફૂલહાર અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશાળ મેદનીને સંબોધતા હતું કે, સંતોની વાણીનો સંદેશ જીવનમાં ઉતારવાથી જીવન સાર્થક થાય છે. તેમણે કહ્યું કે, પૂજ્ય ઉગારામ બાપા જે માર્ગે ચાલ્યા, તેના પર આપણને સૌને ચાલવા માટે સંતવાણીના માધ્યમથી પ્રેરણા આપે છે. આપણે વિવિધ ધર્મગુરુઓની વાણી સાંભળીએ ત્યારે તેમાંથી ભગવાનને સાધવાના પ્રયત્નનો સંદેશ મળે છે.
તેમણે કહ્યું હતું કે, ગોવિંદ સુધી પહોંચવા માટે સદગુરુ સિવાય બીજો કોઈ માર્ગ નથી. સંતોના ચરણમાં બેસવાથી આપણામાં સમરસતા, એકતા જેવા સદગુણોના ભાવ દ્રઢ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વાતંત્ર્ય પર્વે આપણને સમરતાનો કોલ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, સંતોના સાનિધ્યમાં બેસવાથી સમાજના છેવાડાના માણસોના કલ્યાણ માટે સારા કાર્યો કરવાની પ્રેરણા મળે છે.
આ તકે ઉગમધામના સંત ગોરધન બાપાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ઉગમધામ અને તેના સંતોના સંપ્રદાયનો ઇતિહાસ વર્ણવતા કહ્યું હતું કે, આના મૂળ છેક રામાનંદાચાર્ય સુધી જાય છે. જ્યારે સંસ્થાના સંત જેન્તીરામ બાપાએ મુખ્યમંત્રી ને શુભકામના પાઠવતા કહ્યું હતું કે, તેઓ ખૂબ સારા કામ કરે અને સમાજને તેનો ખૂબ લાભ મળતો રહે. આ અવસરે સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્યો જયેશભાઈ રાદડિયા, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથિરીયા,ભાજપના અગ્રણી ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા,કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,રાજકોટ ગ્રામ્ય એસ.પી. જયપાલસિંહ રાઠોર, ગોંડલ પ્રાંત અધિકારી કે.વી.બાટી સહિત અનેક અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગોંડલના બાંદરા ગામે મુખ્યમંત્રીએ આપી હાજરી
રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સાંજ ના તાલુકા ના બાંદરા ગામે આવેલા પ્રસિધ્ધ સંતશ્રી ઉગારામદાદા તથા માતુશ્રી સોનલમાની નિર્વાણ તીથી ઉત્સવ મા ઉગમ આશ્રમ ખાતે હાજરી આપી હતી. આશ્રમ ના મહંત પુ.ગોરધનદાસ બાપુ એ મુખ્યમંત્રીનુ સ્વાગત કર્યુ હતુ.એસઆરપી ગ્રાઉન્ડ ખાતે બનાવાયેલા હેલીપેડ પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હેલીકોપ્ટર દ્વારા બપોરે ત્રણ કલાકે પહોચ્યા હતા.
ત્યાથી બાંદરા આશ્રમ પહોંચ્યા હતા.બાદ મા ગોંડલ ખાતે સાંસદ રમેશભાઈ ધડુકના નિવાસસ્થાને ટુંકુ રોકાણ કરી રવાના થયા હતા.આ વેળા સાંસદ રમેશભાઈ ધડુક, પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ ના નિવાસસ્થાને મુખ્યમંત્રી ની ટુંક મુલાકાત સમયે પત્રકારો ને દુર રખાયા હતા.