સનાતન આર્યો એ સમયે સપ્તસિંધુના પ્રદેશમાં યશસ્વી રાજ કરતાં હતાં. એથી એ સપ્તસિંધુનો પ્રદેશ ’આર્યાવૃત’ કહેવાયો. આ આર્યાવૃત 16 મહારાજ્યો(મહાજનપદ)માં વિભક્ત હતું.

એવા વજ્જિ મહાજનપદની મહારાજધાની મિથિલા(હાલ બિહારનો ઉપરી ભાગ)ના રાજા જનક હતાં. જનક શબ્દની વ્યુતપતિ જોઈએ તો જન + ક = જન્મ આપનાર આમ સીતાજીને જન્મ આપ્યો એટલે એ જનક કહેવાયા.  સ્ત્રીત્વની એ મહાનતા કે પુરુષ પુત્રીના નામથી આજે જગવિખ્યાત ’જનક’ તરીકે ઓળખાય છે. જનકનું મૂળ નામ હતું ’સિરધ્વજ’.  વજ્જિના નરેશ હ્રસ્વરોમા ને બે પુત્રો હતા. સિરધ્વજ અને કુશધ્વજ.

આ સિરધ્વજ એટલે ’જનક’ રાજા જનક એ મહાન વિદ્વાન હતાં. કેટકેટલાય વિદ્વાનોને તેમણે રાજ્યાશ્રય આપ્યો હતો. કેટલીયે સનાતન મહાસંગતી કરાવી હતી, જેના શાસ્ત્રર્થોના પરિણામે આપણને સનાતન ધર્મગ્રંથો જેને આપણે શાસ્ત્રો કહીએ છીએ તે મળ્યાં.

રાજા જનકની રાજધાની મીથીલા ધર્મસભાઓ માટે પ્રખ્યાત હતી. મહાધાર્મિક અને વિદ્વતાના લીધે ઋષિમુનિઓ તેમને વિદેહ કહેતાં. પરશુરામે ક્ષત્રિયોના રક્તથી કુંભ ભર્યો.

આ દેવોના સંતાનોનું રક્ત જ્યાં વહે એ ધરતી વાંઝણી થઈ જતી હતી આથી રક્ત કુંભમાં ભર્યું. એ કુંભ ક્યાં રાખવો એ વિકટ સમસ્યા હતી. પરશુરામને ખબર હતી કે વિદેહ મહાજ્ઞાની છે તે આનો રસ્તો શોધી જ લેશે એટલે વિદેહની રાજધાની મીથીલાની જમીનમાં આ કુંભને દાટ્યો.

એ રક્તની અસરથી મીથીલાની ધરતી બંજર થવા લાગી અનેક વર્ષોથી એમાં વરસાદ ન થયો કે ન કોઈ ધાન્ય ઊગ્યું. આથી વિદેહ મુંજાયા અને ૠષિ-મુંનીઓને પુછયુ ત્યારે મુનિશ્વરે કહ્યું કે “હે ’જનક’ જ્યારે ક્ષત્રિય રાજા સ્વયં હલ હાંકી ધરતી ખેડે ને એનો પરસેવો એ ધરતીપર પડે ત્યાંથી તો રત્નો પાકે, અનાજ તો ઉગે જ.”

એથી રાજા જનકે કર્મયજ્ઞ આરંભ્યો, વૈશાખ સુદ નવમીનું યોગ્ય મુહૂર્ત અને યોગ્ય જગ્યાએ રાજાએ હળ હાંકીને જમીન ખેડી, ખેડેલી જમીન બેવડવા હળ ઊંડું હાંકતા એ હળ પરશુરામજી એ દાટેલા કુંભ સાથે અથડાયું. એ કુંભ બાર કાઢતાં એમાં નવજાત ક્ધયા રૂપે લક્ષ્મીજી એ કિલકારીઓ કરી અને ઘનઘોર વાદળો બંધાઈને વર્ષા થઈ.

આમ ખેડેલી જમીનને ’સીતા’ કહેવાય છે, એ જમીન માંથી જનમ્યા એટલે સિરધ્વજ રાજાએ એ ક્ધયાનું નામ ’સીતા’ રાખ્યું અને પોતે શ્રમવડે સીતાના જનક કહેવાયા. (શાસ્ત્રો મુજબ ’જનક’ પૂર્વે થી ચાલી આવતી ઉપાધિ હતી.) આમ વૈશાખ સુદ નવમી એટલે કે આજના દિવસે માતા સીતાનો જન્મ થયો હતો.

રાજા જનક એટલે કે સિરધ્વજ અને રાણી સુનૈનાને સીતાજી અને ઊર્મિલાજી બે પુત્રીઓ તથા કુશધ્વજને માંડવી અને શ્રુતકીર્તિ બે પુત્રીઓ હતાં.

આપણે જાણીએ છીએ કે સીતાજીએક મહાન રાજાના પુત્રી, બીજા મહાન રાજા રામચંદ્રના પત્ની હોવા છતાં તેમનું જીવન કેટલું કષ્ટદાયી પરીક્ષાઓથી ભરેલું હતું.

અગ્નિપરીક્ષા આપનાર એ કદાચ જગતના પ્રથમ નારી હશે. આપણે જાણીએ છીએ કે સીતાના બલિદાનો જોઈ ધરતી ધ્રુજી ગઈ હતી અને એજ ’સીતા’ મહી ’સીતા’ સમાઈ ગયા હતા. એમણે જે સહન કર્યું એ કર્મે જગતની તમામ સ્ત્રીઓને એક મોટું દ્રષ્ટાંત આપી સતીત્વનું મોટું માન અપાવ્યું છે. આજે પણ મહાસતી તરીકે માં સીતાનું નામ લેવાય છે. એટલે જ કહેવાનું મન થાય કે,

“સત જોવા સતિયું તણા, આવા પારખાં ન લ્યો પ્રભુજી;

વિકટ ભાગ્ય વૈદેહી ઘણા, જોઈ, ધરતી જાય છે ધ્રુજી”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.