- ગેમઝોનના સંચાલક યુવરાજ સોલંકી, કિરીટસિંહ જાડેજા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર અને મેનેજર નીતિન લોઢાની કોર્ટની વિશેષ મંજૂરી બાદ જેલમાં ઈન્ટ્રોગેશન
ટીઆરપી ગેમઝોનની ગોઝારી દુર્ઘટનામાં 27 લોકો સત્તાવાર રીતે જીવતા ભડથું થવા મામલે રાજ્ય સરકાર દ્વારા સિનિયર આઈપીએસ સુભાષ ત્રિવેદીની વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)ની રચના કરવામાં આવી હતી. ત્યારે એસઆઈટીએ ઝીણવટભરી તપાસ કરતા ગેમઝોનના સંચાલકો સહીત અનેક અધિકારી-કર્મચારીઓની અગાઉ પૂછપરછ કર્યા બાદ ફરીવાર એસઆઈટી રાજકોટ આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થયાં છે. દરમિયાન એસઆઈટીએ મધ્યસ્થ જેલ ખાતે ધામા નાખી ગેમઝોનના સંચાલકોની ફરીવાર પૂછપરછ શરૂ કરતા નવા ખુલાસા થવાના એંધાણ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગેમઝોનનાં સંચાલક અને મેનેજર સહિતના આરોપીઓ હાલ જેલ હવાલે છે. ગેમઝોનના ભાગીદાર યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, ધવલ ઠકકર અને મેનેજર નીતિન લોઢાના ગઈકાલે રિમાન્ડ પુરા થયા બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે ગેમઝોનનાં સંચાલક અને મેનેજર સહિતના આરોપીઓને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.
મળતી માહિતી મુજબ યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર, નીતિન લોઢા, કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થયાં બાદ જેલ હવાલે કરવામાં આવ્યા બાદ સુભાષ ત્રિવેદીની વડપણ હેઠળની એસઆઈટીએ આ તમામ આરોપીઓની જેલમાં પૂછપરછ માટે કોર્ટ સમક્ષ પરવાનગી માંગી હતી. નામદાર અદાલતે તમામ સંચાલક અને મેનેજરની પૂછપરછ માટેની મંજૂરી આપી દેતાં એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી, ડીવાયએસપી હરેશ વોરા સહીતની ટીમ સીધી જ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે દોડી ગઈ હતી.
કોર્ટની મંજૂરી મળ્યા બાદ આજે સુભાષ ત્રિવેદી હરેશ પંડ્યા સહીતની ટીમે જેલ ખાતે ધામા નાખ્યા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એસઆઈટીએ સંચાલકોની પૂછપરછ માટે આખેઆખી પ્રશ્નાવલી તૈયાર કરી છે. જે મુજબ તમામ આરોપીઓની હાલ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેથી આ પૂછપરછમાં નવા જ ઘટસ્ફોટ થાય તેવી પ્રબળ શક્યતા છે.
ફાયર ઓફિસર ઠેબાનો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો લેશે એસઆઈટી
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર બી જે ઠેબાની આવક કરતા 67% વધુ સંપત્તિ મામલે એસીબી દ્વારા ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. ગત તા. 8 જૂને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાતા કોર્ટે ઠેબાના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થઇ જતાં કોર્ટે જેલ હવાલે કરવાના આદેશ કર્યા હતા. હાલ બી જે ઠેબા જેલ હવાલે હોય અને એસઆઈટી અગ્નિકાંડ મામલે ઠેબાની પૂછપરછ કરવા માંગતી હોય જેથી હવે એસઆઈટી ઠેબાના ટ્રાન્સફર વોરંટ સાથે કબ્જો લેવા કોર્ટ સમક્ષ માંગણી કરનારી છે. ટૂંક સમયમાં જ એસઆઈટી ઠેબાના ટ્રાન્સફર વોરંટની અરજી કરી શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
અનેક ફલક પર વિસ્તરેલી ઘટનાની તલસ્પર્શી, ન્યાયિક, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાશે : સુભાષ ત્રિવેદીનું નિવેદન
એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, અગ્નિકાંડ મામલે તમામ મુદ્દાની તપાસ ચાલી રહી છે. આ દુ:ખદ ઘટનાની સંવેદના સાથે અનેક ફલક પર વિસ્તરેલી તપાસમાં ઘણી બધી એજન્સી જોડાયેલી છે અને હાલ ઊંડાણ અને કાળજીપૂર્વકની તપાસ ચાલી રહી છે. તપાસમાં ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને ઘણા બધા દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અલગ અલગ કોર્પોરેશનની કામગીરી કેવી રહી? ફાયર વિભાગની કામગીરી કેવા પ્રકારની રહી? ફાયર સેફટી એક્ટ 2013થી 2023 સુધીની જોગવાઈઓનો શું અમલ થયો? જીડીસીઆરના ક્યા નિયમોનું ઉલ્લંઘન થયું છે? ટાઉન પ્લાનિંગ વિભાગની બેદરકારી કેટલી હતી? આ તમામ મુદ્દાની તલસ્પર્શી, ન્યાયિક, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ ચાલુ છે.
ડેપ્યૂટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાને સસ્પેન્ડ કરતા મ્યુનિ.કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખામાં ડેપ્યૂટી ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ જીવાભાઇ ઠેબા સામે આવકથી વધુ સંપતિ હોવાનો કેસ દાખલ થયો છે. તેઓ હાલ પોલીસ હીરાસતમાં છે. નિયમ મુજબ કોઇપણ સરકારી કર્મચારી કે અધિકારી 48 કલાકથી વધુ સમય કસ્ટડીમાં રહે તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. દરમિયાન મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઇ દ્વારા ગઇકાલે ભીખાભાઇ ઠેબાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. શહેરના વોર્ડ નં.10માં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં કોર્પોરેશનના અલગ-અલગ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. જે અંતર્ગત ભીખાભાઇ ઠેબા સામે આવક કરતા વધુ સં5તિ મળી આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના પગલે તેઓને તાત્કાલીક અસરથી ડેપ્યૂટી ચીફ ફાયર ઓફિસરના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પૂર્વ ટીપીઓ સાગઠીયા સહિત ચારેય સરકારી બાબુઓને કાલે ફરીવાર કોર્ટ સમક્ષ રજૂ કરાશે
ટીઆરપી ગેમઝોનના 3000 ચો.મી.માં ગેરકાયદે બાંધકામમાં આગ લાગે તો કોઈ બચે નહીં તેવી બેદરકારી રાખીને 27 નિર્દોષ નાગરિકોના દર્દનાક મોત નીપજાવવાના તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા આઈપીસીની કલમ 304, 308, 36 સહિતના ગુનામાં રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટી.પી.ઓ. મનોજ સાગઠીયા, એ.ટી.પી. મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તથા ફાયર ઓફિસર રોહિત વીગોરાની ધરપકડ કરાયા બાદ ગત તા. 31 મેની સાંજે કોર્ટમાં 14 દિવસની રિમાન્ડ માંગણી સાથે રજૂ કરાતા અદાલતે 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રિમાન્ડ આવતીકાલે પૂર્ણ થઇ જતાં ફરીવાર ચારેય ધરપકડ કરાયેલા સરકારી બાબુઓને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.
ટીઆરપી અગ્નીકાંડમાં સહાયક પી.પી તરીકે નીતેશભાઈ કથીરિયાની નીમણુક
સ્પે.પીપી તરીકે અગાઉ તુષાર ગોકાણીને નીમવામાં આવ્યા’તા
રાજકોટમાં ઝછઙ ગેમઝોન ખાતે થયેલ અગ્નીકાંડમાં ગુજરાત સરકાર દવારા રાજકોટના પ્રખર કાયદાશાસ્ત્રી એવા યુવા એડવોકેટ નિતેશભાઈ કથીરીયાની સરકાર દવારા એડી. સ્પે.પી. પી. તરીકે નીમણુક આપવામાં આવેલ છે. તેઓએ અનેક કેસોમાં ભોગ બનનાર પરીવારજનોને ન્યાય અપાવવામાં મહત્વની ભુમીકા ભજવેલ છે જેમાં શહેર ચકચારી એવા પીયુષ ઠકકર ખંડણી તથા મર્ડરના કેસમાં ખુબજ મહેનત કરીને આરોપીઓને સજા કરાવેલ છે તેમજ અમરેલી કાઠી બંધુઓની બેવડી હત્યાના કેસમાં પણ ભોગ બનનાર પરીવારજનો વતી રહીને તમામ આરોપીઓને આજીવન કેદની સજા કરાવવામાં મહત્વની ભુમીકા રહી છે.અગાઉ ગુજરાત સરકાર દવારા આ કેસમાં સ્પે.પી.પી તરીકે તુષારભાઈ ગોકાણીની નીમણુક કરેલ છે તેમજ બનાવની ગંભીરતા જોતા એડી. સ્પે. પી. પી. તરીકે નીતેશભાઈ કથીરીયાની નીમણુક કરવામાં આવેલ છે અને તેઓ માત્ર એક રૂપીયો લઈને આ કેસમાં પીડીતોને ઝડપી ન્યાય અપાવવા પ્રયત્ન કરશે.