ભાઈ – બહેનના મધુર સંબંધનું પ્રતિક અને મીઠી યાદોના લાગણી સભર દ્રશ્યો જેલમાં સર્જાયા: જેલ અધિક્ષક બન્નો જોષી સહિતની ટીમના બંદીવાનના પરિવારજનોએ કરી પ્રશંસા
રાજકોટની મધ્યસ્થ જેલમાં આજરોજ ભાઈ – બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર જેલમાં રહેલા બંદિવાનોને બહેનોએ રાખડી બાંધી જલ્દી મુક્તિ મળે તે માટે આશીર વચન પાઠવ્યા છે. ક્ષણભરના ગુસ્સાના કારણે પોતાના પરિવારજનો અને ખાસ રક્ષાબંધનના તહેવાર પર બહેનોથી દૂર રહેલા ભાઈઓને અને ભાઈઓથી દુર રહેલી બહેનોને રાખડી બંધાવવા આવતા જેલમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે બંદિવાનો અને તેમના પરિવારજનોએ જૂની યાદોને વગોળતા મીઠી સભર લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં બંદીવાન અને તેમના પરિવારજનોએ પણ જેલ તંત્રના ભરપૂર વખાણ કર્યા હતા.
રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજરોજ જેલના અધિક્ષક બન્નો જોષી, વી.બી.પરમાર અને સુધીરભાઈ ગોપલાની સહિતની ટીમ દ્વારા રક્ષાબંધનના પવિત્ર દીન નિમિતે જેલ તંત્ર દ્વારા બંદીવાન માટે તહેવારની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ જેલમાં કુલ 1778 પુરુષ બંદીવાન અને 81 મહિલા બંદીવાન મળી કુલ 1859 બંદીવાન હાજર છે.
રક્ષાબંધનના પવિત્ર પર્વ પર હેલ તંત્ર દ્વારા આજરોજ જેલમાં રહેલા ભાઈઓ અને બહેનો માટે ખાસ રાખડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દૂર દૂરથી આવેલી બહેનો પોતાના ભાઈના હાથે રાખડી બાંધી જેલમાંથી જલ્દી મુક્તિ મળે તેવા ફફતવશિ વચન પણ પાઠવ્યા હતા. આ તકે બંદીવાનના પરિવારજનોએ જેલમાં રક્ષાબંધનના તહેવારને ઉજવવા માટે કરેલી વ્યવસ્થાના ભાગરૂપે જેલ અધિક્ષક બન્નો જોષી સહિતની ટીમની ભરપૂર પ્રશંસા કરી હતી.
ક્ષણિક ગુસ્સામાં ભરેલા પગલાંની સજા આખા પરિવારને મળી: બંદીવાનનો પશ્ચાતાપ
મધ્યસ્થ જેલના બંદીવાન ગોપાલ બચુ વેકરીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલ ખાતેના તમામ બંદીવાનોને તેમની બહેન રાખડી બાંધી શકે તેના માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ બહેન રાખડી બાંધવા આવે ત્યારે ભાવુક થઈ ગયેલી બહેનના આંખમાં આંશુ આવી જાય છે અને ભાઈને ભેટી પડે છે. તેમણે કહ્યું હતું કે, બહેનના આંખમાં આંશુ જોઈને અમને એવું લાગે છે કે, અમારી ભૂલની સજા અમને નહીં પરંતુ અમારા પરિવારને મળી છે. ક્ષણભરના ગુસ્સામાં આવી એવું પગલું ક્યારેય ભરવું નહિ જેની મંજૂરી આપણો દેશ, બંધારણ અને કાયદો આપતી નથી તેવી અપીલ બંદીવાને કરી હતી. ક્ષણિક આવેશમાં આવી ભરેલું પગલું પરિવારથી વિખોટો પાડી દેનારું હોય છે તેવું બંદીવાને ઉમેર્યું હતું.
બહેનો ભાઈના કાંડે રક્ષા બાંધી શકે તેના માટે જેલ તંત્રે યોગ્ય વ્યવસ્થા કરી: પીઆઇ બી.બી. પરમાર
રાજકોટ મધ્યસ્થ જેલના પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. પરમારે જણાવ્યું હતું કે, જે રીતે સમાજમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થાય છે તેવી જ રીતે મધ્યસ્થ જેલ ખાતે પણ રક્ષાબંધનની ઉજવણી થઈ શકે તેના માટે જેલ તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. વેરિફિકેશન કરાવીને બહેનો તેમના ભાઈના કાંડે રક્ષા બાંધી શકે તેના માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને બહારની મીઠાઈથી રોગચાળો જેલમાં વકરે નહીં તેને ધ્યાનમાં રાખી જેલમાં જ બનાવેલી શુદ્ધ ઘીની મીઠાઈ બહેનોને આપવામાં આવી રહી છે. હાલ જેલમાં કુલ 1859 બંદીવાનો હાજર છે જેઓ આ પર્વની ઉજવણી કરી રહયા છે તેવું બી.બી. પરમારે ઉમેર્યું હતું.