સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાના જીવંત કાર્યક્રમો યોજાયા.
મુખ્યમંત્રીશ્રી ગ્રામોદય યોજના થકી સખી મંડળની બહેનો વિવિધ વ્યવસાયો થકી આર્થિક રીતે પગભર બની છે, તેમ સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના લાભાર્થીઓનો ઇ-ગૃહ પ્રવેશ અને મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાના લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂંક પત્રોના વિતરણના જીવંત પ્રસારણના જિલ્લાકક્ષાના કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરાએ જણાવ્યું હતું. તેમણે આ યોજના થકી નાના અને મધ્યમ વર્ગના કુટુંબોનું જીવન ધોરણ ઉચું આવશે તેમ પણ જણાવ્યું હતું. સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લોકોને ઘરનું ઘર મળી રહે તેવા કેન્દ્ર અને રાજય સરકારના પ્રયાસો રહયા છે.
આ પ્રસંગે અગ્રણીશ્રી દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું આવાસ મળે તેવો પ્રધાનમંત્રીશ્રીનો નિર્ધાર છે અને રાજયમાં દરેક કુટુંબોને પોતાના ઘરનું ઘર મળી રહે તેવી રાજય સરકારની નેમ છે.
સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લાના ૧૨૫૮ લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ઔદ્યોગિક જોડાણો સાથેની કંપનીઓમાં લોકો આર્થિક રીતે પગભર થાય તે હેતુથી ૬૭૪૫ લાભાર્થીઓને જોબવર્ક માટેના નિમણૂંક પત્રો મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત એનાયત કરવામાં આવેલ હતાં. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ટુંકી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવેલ હતી. બંને યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતાં.
સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય કરવામાં આવેલ હતું. સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શૈલેષ શાહે અને આભારવિધિ તાલુકા વિકાસ અધિકારીશ્રી પીયુષભાઇ રાવતે કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશકુમાર રાજયગુરૂ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.ડી. વાદી, અગ્રણી શ્રી જીજ્ઞાબેન પંડયા સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં.