પ્રથમ વિજેતાને ગોલ્ડ મેડલ તથા તૃતીય સ્પર્ધક વિજેતા બ્રોન્ઝમેડલ કર્યો એનાયત
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ૠ-20 સમિટ તથા ’વિશ્વ મહિલા દિવસ’ના ઉપલક્ષમાં સીનીયર સીટીઝન મહિલાઓ માટે રાજ્યકક્ષાની દોડ, કુદ અને ફેંકની એથ્લેટીક્સ સ્પર્ધા તથા યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધાઓમાં રાજકોટ જિલ્લાની 3 મહિલાઓએ વિજેતા બની મેડલ પ્રાપ્ત કર્યા હતા.
ગત તા. 02 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે યોજાયેલી એથ્લેટીક્સ સ્પર્ધા અંતર્ગત 100 મીટર દોડ સ્પર્ધામાં જિલ્લા રમતગમત વિકાસ અધિકારીશ્રી રમાબેન મદ્રાના કોચિંગ હેઠળ 6 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી રાજકોટના સ્પર્ધકશ્રી લતાબેન કોઠારીએ તૃતિય સ્થાને વિજેતા બની બોન્ઝ મેડલ મેળવ્યો હતો.
આ ઉપરાંત, ગત તા. 03 એપ્રિલના રોજ ભાવનગર ખાતે યોજાયેલી યોગાસન સ્પર્ધામાં રાજકોટ મહાનગરપાલિકા યોગ કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણીના માર્ગદર્શન હેઠળ 5 સ્પર્ધકોએ રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે પૈકી રાજકોટ શહેરમાં રહેતા સ્પર્ધકશ્રી જ્યોતિબેન પરમારએ પ્રથમ ક્રમાંકે વિજેતા બની ગોલ્ડ મેડલ તથા તૃતિય ક્રમાંકે સ્પર્ધકશ્રી હંસાબેન ભેંસદડીયાએ વિજેતા બની બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આમ, ત્રણેય સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.