- ભાવનગર કોર્ટે પત્ની દ્વારા કરાયેલી છૂટાછેડાની અરજી મંજુર કરી: મામલો હાઇકોર્ટના શરણે
ગુજરાત હાઈકોર્ટે એક મહિલાને નોટિસ ફટકારી છે જેણે ક્રૂરતાનો ઉલ્લેખ કરીને ફેમિલી કોર્ટ દ્વારા છૂટાછેડા મેળવ્યા હતા. મહિલાએ એવી દલીલ કરી હતી કે, તેના પતિની બહેને તેમની જાતિની બહાર લગ્ન કર્યા હતા અને આ માહિતી તેનાથી છુપાવવામાં આવી હતી. પતિના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, આ દંપતીના અરેન્જ મેરેજ 2018 માં થયા હતા.
પત્નીને ખબર પડી કે તેની નણંદએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા છે જેને તે સામાજિક જાતિ વંશવેલોમાં નીચી ગણતી હતી. તેના બે દિવસ પછી તેણે પોતાનું વૈવાહિક ઘર છોડી દીધું હતું. 2020 માં, મહિલાએ ભાવનગર ફેમિલી કોર્ટમાં ક્રૂરતાનો દાવો કરીને છૂટાછેડા માટે અરજી કરી હતી. તેણીએ કહ્યું કે તેના પતિએ તેની બહેનના આંતરજાતિય લગ્ન વિશે માહિતી છુપાવી હતી.
જ્યારે તેણે બે બહેનો હોવાનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે તે ત્રીજી બહેનનો ખુલાસો કર્યો ન હતો. તેણી આ ત્રીજી બહેનને ફક્ત લગ્ન દરમિયાન મળી હતી. સામા પક્ષે પતિએ વૈવાહિક અધિકારો પુન:સ્થાપિત કરવાની વિનંતી કરતો દાવો દાખલ કર્યો હતો, તેની પત્નીને પાછા ફરવા માટે ફરજ પાડવા માટે કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી.
30 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભાવનગર ફેમિલી કોર્ટે પત્નીની છૂટાછેડાની અરજી મંજૂર કરતી વખતે પતિની અરજી ફગાવી દીધી હતી. પતિએ બે અલગ-અલગ અપીલો દ્વારા આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને છૂટાછેડાના આદેશને રદ કરવા માટે હાઇકોર્ટને વિનંતી કરી હતી. પ્રારંભિક સુનાવણી પછી, ન્યાયાધીશ બિરેન વૈષ્ણવ અને ડી એમ દેસાઇએ જણાવ્યું હતું કે પડકાર હેઠળના ચુકાદા અને હુકમનામાનું અવલોકન કરવાથી સૂચવવામાં આવશે કે પત્નીની અરજી જે મુખ્ય આધારો પર સ્વીકારવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અપીલકર્તા પતિએ ક્રૂરતા આચરી છે, તે એ છે કે અપીલકર્તાની એક બહેને બીજા સમુદાયના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. મહિલાને જારી કરાયેલી નોટિસ બાદ હાઇકોર્ટે બંને અપીલોની સંયુક્ત સુનાવણી 20 જાન્યુઆરીના રોજ નક્કી કરી છે.