તહેવારોની રજા પછીના ચાર દિવસમાં ભાવમાં રૂ.130નો ઉછાળો
સિંગતેલના ભાવ બે દિવસ બાદ આજે ફરી સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે. આમ તહેવારોની રજા પછીના ચાર દિવસમાં ભાવમાં રૂ. 130નો ઉછાળો નોંધાયો છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3100ને પાર પહોંચ્યો છે.
અંદાજે દોઢ મહિનાની વરસાદી બ્રેકને કારણે મગફળીનો ઉત્પાદનનો ફટકો પડશે તેવી આશંકાથી સિંગતેલમાં તેજીનો દોર શરૂ થયો છે. રાજકોટમાં સિંગતેલ નવા ડબ્બાનો ભાવ રુપિયા 30ના સુધારાથી 3050થી 3100 થયો હતો. ગત મહિને ડબ્બો 3100નો થયા બાદ અંદાજીત 150 રુપિયા ઘટી ગયા હતા. પરંતુ ચોમાસાની ચિંતાના કારણે ફરી એક વખત તેજી થઇ છે અને ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
છેલ્લા દોઢ મહિનાથી વરસાદ નથી. પરિણામે મગફળીના વાવેતરને વ્યાપક નુકસાન છે. વિઘા દીઠ ઉત્પાદન ઘટી શકે છે. રાજય સરકારે પ્રાથમિક અંદાજે 39 લાખ ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ મુક્યો હતો, પરંતુ વેપારીઓના અંદાજે 24-25 લાખ ટન મગફળી ઉત્પાદન થાય તેવો અંદાજ છે. જેમાં 20 ટકાથી વધુ ગાબડુ પડી શકે તેમ હોવાનું જાણકારોનું માનવું છે.
કપાસિયા તેલના ભાવ જે સ્થિર છે તેમાં પણ ઉથલપાથલ થવાની શકયતા જોવાઈ છે. સીંગતેલના ભાવમાં છેલ્લા ચાર દિવસમાં મોટો વધારો થયો છે. બીજી તરફ તુવેરદાળના ભાવમાં ભડકો થયો છે.સોમવારે 1 કિલોનો ભાવ120 રૂપિયા હતો. તે વધીને 162 રૂપિયા થઈ ગયો છે તેમાં માત્ર ચાર દિવસમાં 42 રૂપિયાનો વધારો થયો છે. એવી જ રીતે ઘઉંના ભાવમાં પણ એક સપ્તાહમાં મણે 80 રૂપિયાનો વધારો થતા ઘઉંના લોટનો ભાવ 30 રૂપિયાના કિલો સામે 3.24 રૂપિયા થઈ ગયા છે.