રજની ગંધા ફિલ્મના ગીત ‘કઇ બાર યુહી દેખા હે’ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો
હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય અને સૌના જાણીતા ગાયક મુકેશનું આજના દિવસે 1976માં યુએસએના ડેટ્રોઇડ શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેઓ લત્તાજી સાથે સ્ટેજ શો માટે અમેરિકા આવ્યા હતા. આ ઘટના બાદ બાકીના કોન્સર્ટ લત્તાજી સાથે તેમના પુત્ર નીતિન મુકેશ દ્વારા પૂર્ણ કરાયા હતા.
મુકેશચંદ માથુર ફિલ્મ જગતમાં ‘મુકેશ’ના નામથી મશહુર થયા હતા. રજની ગંધા ફિલ્મના ગીત “કઇ બાર યુહી દેખા હે” માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેઓ મુખ્યત્વે રાજકપૂર, મનોજકુમાર, ફિરોઝખાન, સુનીલ દત્ત અને દિલિપકુમારના અવાજ તરીકે લોકપ્રિય બન્યા હતા. મુકેશને પ્રારંભમાં તેના સંબંધી મોતીલાલે ઘણી મદદ કરી હતી.
1941માં મુકેશે પ્રથમ ફિલ્મ ‘નિર્દોષ’માં ગાયક અભિનેતા તરીકે બોલીવુડ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. બાદમાં પહેલી નજર ફિલ્મથી ગાયક તરીકે અનિલ વિશ્ર્વાસે બ્રેક આપ્યો હતો.
મુકેશ પ્રારંભમાં જાણીતા ગાયક કે.એલ. સાયગલના ચાહક હોવાથી પ્રારંભની ગાયકીમાં તેમની નકલ કરતાં હતા, બાદમાં સંગીતકાર નૌશાદની મદદથી પોતાની ગાયન શૈલી વિકસાવી હતી. પ્રારંભની મુકેશની ફિલ્મો અનોખી અદા (1948), મેલા (1948), અંદાજ (1949) ખૂબ જ સફળ રહી જેનો યશ સંગીતકાર નૌશાદના ફાળે જાય છે. તેમણે ગાયક તરીકે અંદાજે 1300થી વધુ ગીતો ગાયા હતા.
ગાયક મુકેશના અવસાન બાદ 1977માં ધરમવીર, અમર-અકબર-એન્થોની, ખેલ ખિલાડી કા, દરિંદા અને ચાંદી-સોના જેવી ફિલ્મોમાં તેના ગીતો રજૂ થયા હતા. 1978માં આહુતિ, પરમાત્મા, તુજ હારી કસમ અને સત્યમ શિવમ સુંદરમ જેવી ફિલ્મોમાં પણ તેના યાદગાર ગીતો રજૂ થયા હતા. બાદમાં તેના ઘણા રેકોર્ડ થયેલા ગીતો પણ રજૂ થયેલા અને 1997માં ચાંદ ગ્રહણ ફિલ્મમાં તેમનું ગીત અંતિમ રજૂ થયેલ હતું.
મુકેશને અનાડી, પહેચાન, બેઇમાન અને કભી-કભી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. “કલ ખેલ મેં હમ હો ન હો…. ગરદીશ મેં તારે રહેશે સદા”