ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉ ગીતની ગાયિકા કિંજલ દવે સાથે અમરાઇવાડીના એક શખસના લગ્ન થઇ ગયા હોય તેવા ફોટા સાથે એક પોસ્ટ કિંજલ દવેના ફેસબુક એકાઉન્ટ પરના પેજ પર મુકવામાં આવી હતી. આ ફોટો જોઇ પરિવાર સહિત કિંજલ પણ હેબતાઇ ગઇ હતી. આ પોસ્ટ અંગે જાણ થતાં કિંજલના પિતાએ આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. આ પોસ્ટમાં ફોટો જોઇ લાગતું હતું કે, કિંજલના લગ્ન સાથે ઉભેલા યુવક સાથે થઇ ગયા હશે. આ ખોટી એડિટ કરેલી પોસ્ટ હોવાના કારણે કિંજલના પિતાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા અમરાઇવાડીના નિરજ મકવાણા નામના શખસની પોલીસે ધરપકડ કરી છે.

સાઇબર ક્રાઇમના અધિકારીએ જણાવ્યા અનુસાર, ગાયિકા કિંજલ દવેના પિતા લાલજી મણિલાલ દવેએ સાઇબર ક્રાઇમમાં એક ફરિયાદ નોધાવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે તેમની દિકરી કિંજલાના ફેસબુક પેજ પર એક યુવકે તેના સાથે લગ્ન કર્યા હોવાના ફોટા મોર્ફ કરી મુક્યા હતા. કિંજલના ફોટાને એડિટ કરી ફોટા બનાવ્યા હતા. જેમાં યુવક કિંજલનો પતિ હોય અને તેમના લગ્ન થઇ ગયા હોય તેવું ફોટો જોઇ સામાન્ય રીતે જણાઇ આવતું હતું.

સાઇબર ક્રાઇમે કિંજલના પિતાની ફરિયાદ આધારે તપાસ કરતા અમરાઇવાડીના નિરજ મકવાણા નામના શખસે આમ કર્યું હોવાનુ બહાર આવ્યું હતુ. પોલીસે અમરાઇવાડી ખાતેથી નિરજ મકવાણા નામના શખસની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. કિંજલ દવે ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં તે ગીતથી ચર્ચામાં આવી હતી ત્યાર બાદ આ ગીતમાં વપરાયેલા કાર પણ રામોલ પોલીસે જપ્ત કરતા કિંજલ ચર્ચામાં આવી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કિંજલના ફોટા સાથે છેડછાડ કરવામાં આવી હતી તે અંગે પણ સાઇબર ક્રાઇમમાં અરજી થઇ હતી જે સાઇબર ક્રાઇમે તપાસ કરી ખાનગીમાં મામલો દબાવી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.