બાળથી મોટેરાને નાચવાથી તન-મનનો આનંદ મળે
આનંદ, ખુશી, શુભ પ્રસંગે માનવી આનંદ ઉલ્લાસથી ઝુમવા લાગે છે: પ્રાચીન કાળથી નૃત્ય આપણા જીવન સાથે વણાયેલું છે : આજકાલના બાળકો પણ ડાન્સમાં વધુ રસ લે છે
ટીવી કલ્ચરથી નૃત્યકલાને વેગ મળ્યુ સાથે ફિલ્મો તો વર્ષોથી તેને બળ આપી રહી હતી: આજે તો ટીવીની ઘણી ચેનલોમાં બાળકો માટે ડાન્સના કાર્યક્રમો આવે છે
નાચો, ગાવો, ઝુમો , કુદો, ઠેકડા મારો કે સંગીતના તાલે તમે શરીરના હાથ-પગ સાથે ચહેરાને આમતેમ કે વિવિધ હાવભાવ સાથે નર્તન કરો એ ડાન્સ-નૃત્ય કહેવાય છે. પ્રાચીનકાળમાં જ્યારે મનુષ્યો શિકાર કરતા ત્યારે પણ કામપૂર્ણ થયે બધા સાથે મળીને ગૃપમાં કે એકલા નાચતા-કૂદતા હતા. રાજા-રજવાડાના યુગમાં પણ દરબાર ભરાયને નૃત્યાંગના નૃત્ય કરતા હતાં. સ્વર્ગમાં પણ અપ્સરાઓ નૃત્ય કરતાં હોય તેવી લોકવાયકા છે. ટૂંકમાં નૃત્ય આપણા જીવન સાથે આદિકાળથી વણાયેલી છે. જૂના યુગમાં પણ મોટા શિકારની ખુશીમાં કે એ આદિમાનવના તહેવારો કે શુભ પ્રસંગોએ લોકો ઠેકડા મારતા કે ફેરફૂદરડી ફરતા હતા, ગુલાટ પણ મારતા. આ સૌથી જૂની પ્રાચીન ડાન્સ પ્રણાલી હતી.
આમ સમય જતાં માનવીની જીવનશૈલી બદલાયને તેમાં નવારંગરૂપ ઉમેરાયાને સાથે ફૂદરડી-ઠેકડા અને ગુલાટ જેવા સારૂ કરી શકતા તે ધીમેધીમે લોકપ્રિય થવા લાગ્યા. કેટલાક તેને આજીવીકાના સાધન તરીકે પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રક્રિયામાં રસ ધરાવતા લોકો જોડાતા ગયા હતા. દુનિયાના દરેક દેશોને પોતાની એક આગવી નૃત્યશૈલી છે. દરેક દેશોને પોતાની સ્ટાઇલમાં નૃત્ય કરવા ઉપરાંત પોતપોતાના ફોક ડાન્સ પણ પ્રચલિત હોય છે. વિશ્ર્વભરમાં બેલેનૃત્યુ ખૂબ જ પ્રસિધ્ધ છે. આપણાં દેશમાં 17થી વધુ ફોક ડાન્સ જોવા મળે છે. આટલી વિવિધતા હોવ છતા વિશ્ર્વમાં આપણે પ્રથમ નંબરે નથી આવતાં કારણ કે મેકેડોનિયા જેવા દેશમાં પોતાના નૃત્યની 49 ડાન્સ સ્ટાઇલ છે.
આપણી પ્રાચીન પરંપરાથી આજદિવસ સુધી આ નૃત્ય કે ડાન્સમાં વિવિધતા સાથે બદલાવ જોવા મળી રહ્યો છે. એક જૂના ફિલ્મનું ગીત આ વાતને બરોબર સમજાવી જાય છે. “ઝૂમો નાચો ગાવો…..આયા મંગલ ત્યોહાર….લે કે ખુશીયા હજાર” બાળથી મોટેરાને નાચવું-કૂદવું ગમે છે. મહિલાઓને આ કલા સરળતાથી હસ્તગત થઇ જાય છે. તેનું કારણ પરિવારના નાના-મોટા શુભ પ્રસંગે બધા સાથે મળીને રાસ કે ગૃપ ડાન્સ કરતાં હોય તેમજ નવ દિવસની નવરાત્રિમાં માં શક્તિની આરાધના સાથે ગરબીમાં પ્રાચીન અને દાંડીયારાસના અર્વાચીન ગરબા રમતા હોય છે. આનંદ, ખુશી, શુભપ્રસંગે માનવી આનંદ ઉલ્લાસથી રૂમઝૂમ કે ઝૂમવા લાગે છે. પ્રાચીનકાળથી આપણા જીવન સાથે નૃત્ય વણાયેલું છે. આજે તો નાના બાળકો હિન્દી ફિલ્મના ગીતો ઉપર સરસ ડાન્સ કરે છે.
પહેલા ફિલ્મો અને હાલ ટીવીના ટચૂકડા પડદાએ ડાન્સને ઘણું પ્રોત્સાહન આપ્યું છે. મોબાઇલમાં કે ડાન્સની એપ્લીકેશનમાંથી વિવિધ ડાન્સના સ્ટેપ બાળકો શીખી રહ્યાં છે. ટીવી ચેનલો ઉપર તેની કોમ્પીટીશન પણ લાઇવ આવતી હોવાથી બાળકો ખૂબ જ રસ પડે છે અને તે ઝડપથી શિખવા લાગે છે. જૂના કે નવા ફિલ્મી ગીતો વાગે ત્યારે હાથ કે પગથી તાલ આપે તે એક પ્રકારનું નર્તન જ છે. નાનકડા બાળકો પણ પોતાના ગમતું ગીત-ડાન્સ ગીત આવે ત્યારે તેની પોતાની આગવી સ્ટાઇલથી નૃત્ય કે ડાન્સ કરવા લાગે છે. ટૂંકમાં માનવના વિવિધ મનોરંજનમાં આ ડાન્સકલા પણ સામેલ છે. નૃત્યે કે ડાન્સ માનવીના તન-મનને આનંદિત કરે છે. શોખ હોયએ તો રૂમઝૂમ થવા જ લાગે છે.
આજે 21મી સદીમાં પારિવારિક વિવિધ ઉત્સવોમાં સગાઇ-લગ્ન કે બર્થ ડે પાર્ટી હોય કે જાગરણના તહેવારો હોય ત્યારે ડાન્સ પાર્ટી કે રાસોત્સવ અચૂક હોય જ છે. પ્રસંગો નૃત્ય વગર અધૂરા લાગે છે. લગ્નમાં પણ ખાસ એક દિવસ દાંડીયારાસનું આયોજન કરાય છે. ભારતીય સંસ્કૃતિ વિવિધ પ્રાદેશિક નૃત્યની બોલબાલા છે તેમ કાઠિયાવાડના રાસ-ગરબા કે દાંડીયારાસ સમગ્ર વિશ્ર્વમાં પ્રસિધ્ધ છે.
ગરીબો શબ્દ ગર્ભદિપ ઉપરથી બન્યો છે. ગુજરાતમાં શક્તિ પૂજા પ્રચલિત થઇ ભારથી ગરબો લોકપ્રિય છે. રાસ-હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ લોકપ્રિય બન્યો છે. આપણા ગુજરાતમાં આદિવાસીઓનું હાલીનૃત્ય, પંચમહાલનું ભીલ નૃત્ય, ટીપણી નૃત્ય, ગોફ ગુંથલા, પઢારોનું નૃત્ય, માંડવી અને જાગ નૃત્ય, રૂમાલ નૃત્ય, હીંચ નૃત્ય, રાસડા, કોળી નૃત્ય, મેર નૃત્ય, સીદીઓનું ધમાલ નૃત્ય, મેરાયો અને ડાંગી નૃત્ય જેવા અનેક નૃત્યો પ્રસિધ્ધ છે.
નૃત્ય કે ડાન્સનો ઇતિહાસ માનવ ઇતિહાસ જેટલો જ જૂનો છે. આ અંગેનું સૌથી પ્રાચીન પુસ્તક ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર છે. જો કે આપણાં વેદોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે, જે બતાવે છે કે નૃત્ય પ્રાગૈતિહાસિક સમયમાં શોધાયું હતું. પ્રાચીનકાળમાં માનવી તમામ કામો પૂર્ણ કરીને આનંદથી નાચતા-કૂદતા કે અગ્નિની આસપાસ નૃત્ય કરતાં હતાં. એક જમાનામાં તો મનુષ્યોએ નૃત્યને પૂજાના મુખ્ય માધ્યમ તરીકે પણ સામેલ કર્યો હતો. નૃત્ય એ માનવીય અભિવ્યક્તિઓનું વિધીપૂર્ણ પ્રદર્શન છે. તે એક સાર્વત્રીક કળા છે. પૂરાણોમાં ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લઇને નૃત્ય કરીને ત્રણેય લોકમાંથી રાક્ષસોને દૂર કર્યા હતાં.
ભારતના મહત્વના નૃત્યોમાં ભારત નાટ્ટયમ (તામિલનાડું), કથક (ઉત્તરપ્રદેશ), ઓડિસી (ઓડિશા), મણીપૂરી નૃત્ય (મણિપૂર), મોહિનીઅટ્ટમ (કેરળ), કથકલી (કેરળ), સત્રીમ (આસામ), કુચીપુડી (આંધ્રપ્રદેશ) વિગેરે જેવા વિશ્ર્વ પ્રસિધ્ધ નૃત્યો આપણી ભારતી સંસ્કૃતિની ધરોહર છે. આપણા દેશની લલિતકલામાં ગાયન-વાદન અને નર્તનને મહત્વ અપાયું છે. નૃત્ય શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ “નૃત” (નૃત્યુ કરવું) ઉપરથી આવ્યો છે.
નૃત્યએ તાલ અને લય સાથે સૌર્દ્યની અનુભૂતિ કરાવે છે. નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ-નટરાજ મનાય છે. ‘શિવતાંડવ’ નૃત્ય આપણે બધાએ જોયું છે. રાધા-કૃષ્ણની રાસલીલા તેના નૃત્યનું મુખ્યબિંદુ છે. ભારતનાં આઠ શાસ્ત્રીય નૃત્યો છે. આ નૃત્યનો ભવ્ય વારસો આજે પણ જળવાયો છે. આપણી રાષ્ટ્રીય પરેડમાં પણ દરેક રાજ્યો પોતાનો પ્રાદેશિક નૃત્ય વારસો વિદેશી મહેમાનો સમક્ષ રજૂ કરે છે. આપણા દેશમાં વિવિધ પ્રાંતના લોકનૃત્યો પણ ખૂબ જ પ્રસિધ્ધ છે.
દર વર્ષે 29 એપ્રિલે વિશ્ર્વ નૃત્ય દિવસની ઉજવણી કરાય છે. આજના વેસ્ટર્ન ડાન્સના પ્રભાવમાં ભારતીય સંસ્કૃતિની નૃત્યકલા ઝાંખી પડી રહી છે. વિશ્ર્વની તમામ ડાન્સકલા એકબીજા સાથે જોડાયેલી છે. વેસ્ટર્ન કલ્ચર સાથેસાથે ભારતીય સંસ્કૃતિની યુગોથી ચાલતી આવતી નૃત્ય કલાને જીવંત રાખવાનો પ્રયાસ સૌએ કરવો જોઇએ. આજના લોકોને ખાસ બાળકો અને યુવા વર્ગને વેસ્ટર્ન ડાન્સનું ગજબનું આકર્ષણ છે. વિદેશી સંસ્કૃતિના પ્રભાવમાં આપણી ભારતીય નૃત્યકલા વિસરાય ન જાય તે સૌએ જોવું પડશે. જીન જ્યોર્જ નોવર જેનો સમયગાળો 1727 થી 1810 સુધીનો ગણાય છે અને તે આધુનિક બેલે નૃત્યના પ્રણેતા કહેવાય છે. આપણા ભારતીય તહેવારો સાથે નૃત્યકલા વર્ષોથી જોડાયેલ છે.
ભારતના મહત્વના નૃત્યો
- ભરત નાટ્ટયમ (તામિલનાડું)
- ઓડિસી (ઓડિસા)
- મોહિની અટ્ટમ (કેરળ)
- સત્રીમ (આસામ)
- કથક (ઉત્તર પ્રદેશ)
- મણિપૂરી નૃત્ય (મણિપુર)
- કથકલી (કેરળ)
- કુચીપુડી (આંધ્રપ્રદેશ)
આજના વેસ્ટર્ન ડાન્સના પ્રભાવમાં ભારતીય સંસ્કૃતિની નૃત્ય કલા ઝાંખી પડી
વિશ્ર્વની તમામ ડાન્સ કલા એકબીજા સાથે જોડાયેલી છે. આજકાલ યુવાવર્ગ અને બાળકો વેસ્ટર્ન ડાન્સથી પ્રભાવિત થઇ ગયા છે, આને કારણે આપણી સંસ્કૃતિની નૃત્ય કલા ઝાંખી પડી રહી છે. આપણા દેશની લલિત કલામાં ગાયન-વાદન અને નર્તનને મહત્વ અપાયું છે. નૃત્યએ તાલ અને લય સાથે સૌર્દ્યની અનૂભૂતિ કરાવે છે. નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ-નટરાજ મનાય છે. રાધા-કૃષ્ણની રાસલીલા તેના નૃત્યનું મુખ્યબિંદુ છે. આપણી રાષ્ટ્રીય પરેડમાં પણ દરેક રાજ્યો પોતાના પ્રાદેશિક નૃત્યો રજૂ કરે છે. કાઠિયાવાડના દાંડીયારાસનો સમગ્ર વિશ્ર્વમાં પ્રચલિત છે. આપણાં તહેવારો સાથે પણ નૃત્યકલા આદિકાળથી જોડાયેલી છે.
આપણા ગુજરાતના જાણીતા નૃત્ય
- આદિવાસીઓનું હાલી નૃત્ય
- પંચમહાલનું ભીલ નૃત્ય
- ટીપણી નૃત્ય
- ગોફ ગુંથણ
- પઢારોનું નૃત્ય
- માંડવી અને જાગનૃત્ય
- રૂમાલ નૃત્ય
- હિંચ અને રાસડા નૃત્ય
- સીદીઓનું ધમાલ નૃત્ય
- મેરાયો અને ડાંગી નૃત્ય
- કોળી નૃત્ય
- મેર નૃત્ય જેવા અનેક નૃત્યો મશહૂર છે.