કાલાવડ: બાલંભડી ગામે પ્રેમી યુગલનો સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત, બન્નેના પરિવારમાંં અરેરાટી

કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં એક પ્રેમી યુગલએ મોડી રાત્રે એક ઝાડની ડાળીમાં કપડું બાંધી સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી  લેતા ભારે અરેરાટી ફેલાઈ છે. પોતે કુટુંબી પિતરાઈ ભાઈ બહેન હોવાથી લગ્ન જીવન શક્ય નહીં બનતાં સજોડે આપઘાતનું પગલું ભરી લીધાનું સામે આવ્યું છે, પોલીસે બન્નેના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી તપાસ કરી છે.આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના બાલંભડી ગામે સીમમાં  લીમડાના ઝાડની ડાળીમાં એક યુવાન અને તરુણીનાં   ” મૃતદેહો ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકેલા જોવા મળતાં ભારે અરેરાટી વ્યાપી હતી.

ગ્રામજનોએ કાલાવડ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ  ઘટના સ્થળે દોડી ગયો હતો. અને  ઝાડની ડાળીમાં લટકી રહેલા બંને મૃતદેહોને નીચે ઉતારી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પહોંચાડવામાં આવ્યા હતા. અને  પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસની તપાસ દરમિયાન ગળાફાંસો ખાઈ લેનાર યુવકનું નામ રાકેશ તેરિયાભાઈ સંગોટ (ઉં.વ.22) અને મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભાલ ગામનો વતની હોવાનું ખુલ્યું હતું, જ્યારે તેની સાથે જ લટકી જનાર રીટાબેન ગોબરભાઈ સંગોટ (ઉં.વ.16) પણ દાહોદ જિલ્લાના ભાલ ગામની વતની હતી અને બન્ને પિતરાઈ ભાઈ બહેન થતાં હતા. તેઓ બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી પ્રેમ સંબંધ હતો, અને તાજેતરમાં પોતે ઘર છોડીને ચાલ્યા ગયા હતા.

દરમિયાન, રાકેશનો મોટો ભાઈ પરબતભાઈ તેરીયાભાઈ સંગોટ બન્નેને શોધી રહ્યો હતો, તે દરમિયાન દાણીધાર પાસેથી બંને લોકો મળી આવ્યા હતા, જેથી બન્નેને ફરીથી પોતાની વાડીએ લઈ ગયા હતા. પરિવારજનો સાથે વાતચીત થયા પછી તે બન્નેના લગ્ન થવા શક્ય ન હતાં, તેમ પરિવારે જણાવ્યું હતું. પોતે પિતરાઈ ભાઈ બહેન થતા હોવાથી પ્રેમ સંબંધના કારણે સાથે જીવી શકે તેમ ન હોવાથી સાથે આત્મહત્યાનો  કરી  લેવાનું નક્કી કર્યું હતું, અને મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી બંનેએ સજોડે નીકળી ગયા હતા અને નજીકમાં જ એક લીમડાના ઝાડની ડાળીમાં કપડું બાંધી બન્નેએ સજોડે ગળાંફાંસો ખાઈ લીધો હતો. આ બનાવને લઈને ભારે અરેરાટી ફેલાઈ છે. સમગ્ર મામલે કાલાવડ ટાઉન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.