નવરાત્રીની શરૃઆત થાય તે પહેલા તો શહેરમાં દશેરાએ રાવણ દહન માટેની તૈયારીઓ શરૃ થઇ ચુકી છે અને તે માટે ખાસ આગ્રાથી આવેલા મુસ્લિમ કારીગરોએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના વિશાળ પુતળાઓ તૈયાર પણ કરી દીધા છે.
વડોદરામાં જ્યારથી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ થાય છે ત્યારથી રાવણ,મેઘનાદ અને કુંભકર્ણના પુતળા બનાવવા માટે આગ્રાના મુસ્લિમ કારીગરો જ આવે છે. આ વખતે આગ્રાના શરાફત અલી તેમના ૨૫ માણસોની ટીમ સાથે આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે મારા પિતાજી તેમની ટીમ સાથે 60 વર્ષ સુધી ગુજરાતના વિવિધ શહેરોમાં આવીને રાવણ દહન માટેના પુતળા બનાવતા હતા અને છેલ્લા ૨૫ વર્ષથી તો હું આવી રહ્યો છું. અમે વડોદરા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને જામનગરમાં પણ રાવણ દહનના પુતળાઓ બનાવીએ છીએ.
આગ્રામાં અમારો મુળ ધંધો તો ડેકોરેશનનો છે પરંતુ દર વર્ષે બે મહિના અમે ગુજરાતમાં માત્ર પુતળા બનાવવા માટે આવીએ છીએ. મારી ટીમના તમામ કારીગરો મુસ્લિમ છે. વડોદરામાં અમે રાવણનું 58 ફુટનું અને મેઘનાદ તથા કુંભકર્ણના 40 ફુટના પુતળા બનાવ્યા છે. પુતળા બનાવવામાં મુખ્યત્વે બાંબુ, વાંસની પટ્ટીઓ, કાગળ અને કપડાનો ઉપયોગ થાય છે. અમે પુતળાને ફોલ્ડિંગ બનાવીએ છીએ તેને દશેરા સુધી ગોડાઉનમાં સાચવી શકાય.