અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક જ ઝાટકે એપીએલ-૧ કેટેગરીના શહેરી ગ્રાહકોનું કેરોસીન બંધ: ૬,૨૨,૨૨૮ લીટર કેરોસીન બચી જશે
સસ્તા અનાજના દુકાનદારોનું ઘાસલેટ !!
રાજયના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ આગામી તા.૧લી સપ્ટેમ્બરથી સમગ્ર રાજયના મહાનગરપાલિકા વિસ્તારમાં મધ્યમ વર્ગીય કુટુંબો એટલે કે એપીએલ-૧ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને કેરોસીન આપવા સદંતર બંધ કરવા નિર્ણય કર્યો છે. જેની અમલવારી કરવામાં આવતા ૧લી સપ્ટેમ્બરથી રાજકોટ શહેરના ૧,૫૫,૫૫૭ રેશનકાર્ડ ધારકોને કેરોસીન મળતું બંધ થઈ જશે. આ સંજોગોમાં આવા મધ્યમ વર્ગીય પરીવારોને ફરજીયાતપણે ચુલા બાળવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા ત્રણ માસ પૂર્વે એક અગત્યનો પરીપત્ર જારી કરી એપીએલ-૧ કેટેગરીના મહાનગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા કુટુંબોને પ્રતિ માસ અપાતું ૪ લીટર સબસીડાઈઝ કેરોસીન બંધ કરવા નિર્ણય કરી આવા કુટુંબોને રાંધણગેસ કનેકશન મેળવી લેવા તાકીદ કરી હતી.
જોકે ગરીબ કુટુંબોને ઉજજવલા યોજનામાં સમાવી લેવા ઉપરાંત હાલના તબકકે બીપીએલ અને અત્યોદંય યોજનાના રેશનકાર્ડ ધારકોને કેરોસીન આપવાનું ચાલુ રાખવામાં આવતા એપીએલ કેટેગરીને વૈકલ્પિક વ્યવસ્થા વગર જ કેરોસીન બંધ કરી દેવામાં આવતા આવનારા દિવસોમાં હંગામો મચી જાય તેવા સંકેતો પણ સાંપડી રહ્યા છે.
જિલ્લા પુરવઠા વિભાગના સતાવાર આંકડા મુજબ રાજકોટ શહેરમાં કુલ ૧,૫૫,૫૫૭ એપીએલ-૧ રેશનકાર્ડ ધારકો છે જેમાં સૌથી વધુ ઝોનલ-૧ કચેરી એટલે કે રાજકોટ પૂર્વ વિભાગમાં ૫૬,૪૪૧, ઝોનલ-૨ કચેરી હેઠળ ૩૧,૭૮૫, ઝોનલ-૩ કચેરી હેઠળ ૨૯,૬૧૨ અને ઝોનલ-૪ વિભાગ હેઠળ ૩૭,૭૧૯ કુટુંબો દર મહિને સરકારનું રાહત ભાવનું ૪ લીટર કેરોસીન કુટુંબ દીઠ મેળવતા હતા પરંતુ હવે સરકારના પરીપત્ર મુજબ ૧લી સપ્ટેમ્બરથી આવા કુટુંબોને કેરોસીન નહીં મળે.
ઉલ્લેખનીય છે કે, સસ્તા અનાજ હેઠળ રાજકોટ શહેરમાં એપીએલ રેશનકાર્ડ ધારકોને દર મહિને ૬,૨૨,૨૨૮ લીટર કેરોસીન આપવામાં આવતું હતું પરંતુ ૧લી સપ્ટેમ્બરથી એપીએલ-૧ કાર્ડધારકોને કેરોસીન બંધ કરવામાં આવતા સરકારને દર મહિને ૬૨૨ કિલો લીટર એટલે કે ૬,૨૨,૨૨૮ લીટર કેરોસીનનો જથ્થો બચી જશે જે વર્ષે દહાડે ગણતરી કરીએ તો અબજો રૂપિયાની સબસીડીની સરકારને બચત થશે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે સરકારના એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોને કેરોસીન બંધ કરવાના નિર્ણયને કારણે સૌથી મોટુ નુકસાન સસ્તા અનાજના દુકાનદારોનું થશે કારણકે આવા અનેક કુટુંબો ગેસ અને કેરોસીનનો બેવડો લાભ ધરાવતા હોય આવા કિસ્સામાં પરવાનેદારો કેરોસીનનો કાળાબજાર કરી નાખતા હતા
પરંતુ હવેથી એપીએલ-૧ કેટેગરીનું કેરોસીન જ બંધ થતા પરવાનેદારોની કાળી કમાણીનું ઘાસલેટ થઈ જશે તે વાત નકકી છે સાથે સાથે કેરોસીનના કાળાબજાર થકી પુરવઠા વિભાગને મળતા હપ્તા પણ બંધ થતા પુરવઠા વિભાગને પણ મહદઅંશે સહન કરવાનો વારો આવશે.