આજ સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે તાઉતે ત્રાટકવાની શક્યતા: પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, બોટાદ અને ભાવનગર પર મોટો ખતરો
એક તરફ કોરોના તો બીજી તરફ તાઉતે… વાયરસ અને વાવાઝોડાના આ એકી સાથેના તોફાને સરકાર ઉપરાંત સ્થાનિક તંત્રને દોડતું કરી દીધું છે. તાઉતેનું તાંડવ શરૂ થતાં પશ્ચિમ ઘાટના અનેક રાજ્યોમાં તબાહી મચી ગઈ છે. ત્યારે હવે ગુજરાત પર પણ તાઉત્તેના તોફાનનો મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. આજ સાંજ સુધીમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાઉતે ત્રાટકે તેવી પ્રબળ સંભાવના છે. આ તાકાતવાન તાઉતેનો સૌથી વધુ ખતરો પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, બોટાદ અને ભાવનગર પર તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું ખૂબ ઊંડા અને ઘાતકી કહી શકાય તેવા દબાણમાં ફેરવાતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 165 થી 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થાય તેવી દહેશત ઉભી થઇ છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.
પશ્ચિમના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ સાથે તબાહી મચાવનાર તાઉતે સોમવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠે પહોંચી મંગળવારે વહેલી સવારે પોરબંદર અને મહુવા (ભાવનગર જિલ્લા) વચ્ચેના ક્રોસ વિસ્તારોમાં પહોચે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં તો મોટું જોખમ છે. પણ આ સાથે અન્ય વિસ્તારોમાં પણ નુકશાન થવાની ભીતિ છે. પોરબંદર, અમરેલી, જુનાગઢ બોટાદ, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં વધુ જોખમ તોળાઈ રહ્યું છે. જ્યારે દ્વારકા, કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, વલસાડ, સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, આણંદ તેમજ અમદાવાદમાં નુકશાનની ભીતી સેવાઈ રહી છે.
તાઉતેને પગલે દરીયાઈકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે લગભગ દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી ઝડપભેર ગઈકાલથી જ શરૂ કરી દેવાઈ છે.
માછીમારોને દરિયો ખેડવા ન જવા કડક સૂચના આપી દેવાઇ છે. તો સાથે જ અગરિયાઓને પણ મનાઈ ફરમાવી સંવેદનશીલ વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગરમાં આશરે 3 મીટરથી ઉપરના મોજાં સાથે તાઉત્તેનું તોફાન આગળ વધે તેવી ચેતવણી આપી દેવાઈ છે. ભરૂચ, આણંદ સહિતના દક્ષિણના ભાગોમાં 2-3 મી. જ્યારે સુરત, નવસારી, વલસાડ ઉપર 1-2 મીટર તો સ્ટ્રોમ સમયે ગુજરાતના બાકીના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર 0.5 – 1 મી. મોજાં સાથે વાવાઝોડાની લપેટમાં આવે તેવી દહેશત છે. આઇએમડીના ડાયરેક્ટર જનરલએ માહિતી આપતા કહ્યું કે પશ્ચિમ ઘાટ પરના તાઉતેના ખતરાને લઈ ગોવાનાં ડોપ્લર વેધર રડાર દ્વારા ચક્રવાતી સિસ્ટમ પર નજર રાખવામાં આવી રહી છે. અમે સતત ચક્રવાતની ગતિવિધિને અપડેટ કરી રહ્યા છીએ. જેથી દરેક સુધી વાવાઝોડાની માહિતી પહોંચે અને શક્ય તેટલા તમામ પગલા આગોતરા ભરી નુકસાનીને ટાળી શકે.
રાહત બચાવ કામગીરી અને તાઉતેનો સામનો કરવા માટે 54 ગઉછઋટીમ અને જઉછઋની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ગઈકાલથી જ લોકોનું સ્થળાંતર કરવા માટેની કામગીરી શરૂ કરી દેવાઇ છે.આ માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સ્થાનિક લેવલે પણ મિટિંગો કરી સ્થિતિની સમીક્ષા કરાઇ રહી છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સાથેની સમીક્ષા બેઠકમાં માહિતી આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે તાઉતેનો સામનો કરવા માટે સરકાર દ્વારા તૈયારી કરી લેવાઈ છે. વાવાઝોડું ત્રાટકે તો પણ ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે સરકાર કામગીરી કરી રહી છે.